(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૫
CAA અને NRC વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ વડોદરાના લઘુમતિ સમાજના સામાજિક કાર્યકર્તા સામે સાઈબર ક્રાઈમ સેલ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ સામે ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. હાઈકોર્ટે આરોપી સામે ૩૦મી જાન્યુઆરી સુધી કોઈ પગલાં ન લેવાનો આદેશ કર્યો છે. અરજદાર-આરોપી જુબેર ગોકલાની દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સામે હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે આ મામલે ૮મી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો. ટ્‌વીટર પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ આરોપીને સાઈબર ક્રાઈમ સેલ વડોદરા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. CAA અને NRC વિશે ટિપ્પણી કરનાર મુસ્લિમ સામાજિક કાર્યકરતા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો હાઈકોર્ટનો વચગાળાનો આદેશ જ્યારબાદ બે લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાઈબર ક્રાઈમ સેલ વડોદરા દ્વારા ૨૫મી ડિસેમ્બરના રોજ પાઠવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીએ ટ્‌વીટર પર પોસ્ટ કરી હતી કે, કેટલાક ડૉકટર્સે CAA અને NRC વિશે જે ટિપ્પણી કરી છે એ મુસ્લિમ વિરોધી છે. આ પ્રકારની પોસ્ટને લીધે સમાજમાં દ્વેષ અને દુશ્મનાવટ ઊભી થતી હોવાના આક્ષેપ સાથે વડોદરા સાઈબર ક્રાઈમ સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.