Ahmedabad

બનાસકાંઠાના પૂરમાં તારાજ ખેડૂતોના પાક વીમા માટે વલખાં : અંતે હાઈકોર્ટ સમક્ષ ધા

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧પ
રાજ્યમાં કોઈ સ્થળે પૂર આવે કે તારાજી સર્જાય ત્યારે મુખ્યમંત્રી સહિત સમગ્ર સરકારી તંત્ર દોડતુ થઈ જાય અને પછી રાહત ફંડની જાહેરાત થાય તેમાંય વળી આપણા ગુજરાતના વડાપ્રધાન હોઈ તેઓ પણ રાહત માટે મોટી જાહેરાત કરે, પ્રજા ખુશ થઈ જાય. પરંતુ જે વિસ્તારમાં તારાજી સર્જાઈ અને તેનો ભોગ બનનારાની સ્થિતિમાં બે વર્ષેય ઠેકાણુ ના પડે તો તેને શું કહીશું ? બનાસકાંઠામાં ર૦૧પ અને ર૦૧૭ એમ બે-બે વખત પૂરે તારાજી સર્જતા હજારો ખેડૂતો પાયમાલ થઈ ગયા બાદ સરકારે વળતર જાહેર કરવા છતાં પણ અને પાક વીમાના પ્રિમિયમ ભરાયા હોવા છતાં હજુ સુધી પાકવીમાના નાણાં તેઓને મળ્યા ન હોઈ હાલત કફોડી બની છે.
બનાસકાંઠામાં ર૦૧પ અને ર૦૧૭ એમ બે વર્ષના ગાળામાં જ આવેલા બે વિનાશક પૂરે ખેડૂતોને પાયમાલ કરી નાંખ્યા હતા. ખેડૂતોની ખેતી નાશ પામી હતી. ઘરવખરી અને પશુઓ તણાઈ ગયા હતા. સરકાર દ્વારા રાબેતા મુજબ રાહત પેકેજ જાહેર કરાયું. પરંતુ જે નાણાં પર ખેડૂતોનો હક છે તે નાણાં હજુ પણ તેમના સુધી નથી પહોંચ્યા. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત જે ખેડૂતોએ પાક ધિરાણ બેન્કોમાંથી મેળવ્યું તેમના વીમા પ્રિમીયમ તે જ સમયે મુદલમાંથી કાપી લેવામાં આવ્યા. પરંતુ વીમા પેટે ખેડૂતોને જે વળતર મળવું જોઈએ તે આજદિન સુધી મળ્યું નથી.
ખેડૂતો પાક વીમા યોજનાનો લાભ મેળવવા વારંવાર સરકારી કચેરીઓ અને બેન્કોના ધક્કા ખાય છે. પરંતુ તેમની વેદના સાંભળનારૂં કોઈ નથી. વીમા કંપનીઓએ આ મામલે કોઈ નક્કર કામગીરી ન કરી હોવાથી અનેક ખેડૂતો પાક વીમાના નાણાં મેળવવા સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ જિલ્લા કલેકટરનું કહેવું છે કે જે ખેડૂતોના પાક વીમાના પ્રિમીયમ કપાયા છે અને લાભ મળ્યો નથી તે ખેડૂતોનો લાભ મળે તે માટે કાર્યવાહી થશે. તેમ છતાં જો ખેડૂતોને નાણાં નહીં મળે તો સરકારનું ધ્યાન દોરી વીમા કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી પણ કરાશે. સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમાના નાણાં આપવાની બાંહેધરી તો આપવામાં આવી છે પરંતુ છેલ્લા ર વર્ષથી આ ખેડૂતો પાક વીમાના નાણાં મેળવવા વલખા મારી રહ્યા છે. સહાય મેળવવા ખેડૂતો અને સ્થાનિક નેતાઓ દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆતો અને ફરિયાદો કરી. પરંતુ સરકારને જાણે કે ખેડૂતોની વેદના સાંભળવા માટે સમય જ નથી. જગતના તાતના પરસેવાના નાણાં પ્રિમીયમરૂપે બેન્કો અને વીમા કંપનીઓ દ્વારા લેવાયા તો ખરા. પરંતુ જ્યારે વળતર આપવાની વાત આવી તો તેમણે ઠાગાઠૈયા શરૂ કરી દીધા. પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે વિધાનસભામાં પણ ખેડૂતોને સહાય આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ સરકારે તે ફરિયાદ પ્રત્યે પણ હકારાત્મક વલણ દાખવ્યું ન હતું.
સરકારની ઢીલી નીતિને કારણે હવે ભાજપની જ પાંખ ગણાતી કિશાન સંઘ સંસ્થા દ્વારા આ મામલે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે. જિલ્લામાં પૂરમાં પાયમાલ થયેલા અનેક ખેડૂતોને જો પાક વીમાના નાણાં નહીં મળે તો આગામી સમયમાં કિસાન સંઘે ભાજપ સામે જ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. ખુદ સરકારે જાહેર કર્યું છે કે બનાસકાંઠામાં આવેલા પૂરના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે ત્યારે સવાલ એ છે કે પાયમાલ થયેલા ખેડૂતોને સહાય આપવામાં સરકાર કોની રાહ જુએ છે ?

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.