અમદાવાદ, તા.૧૩
ગુજરાત સરકારી નોકરીઓમાં આઉટસોર્સિંગ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં આઉટસોર્સિંગ થકી થતી ભરતીને પડકારતી અરજીને મામલે સુનાવણી થઈ હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતાં કહ્યું કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જગ્યા પણ આઉટસોર્સિંગથી કેમ નથી ભરતાં ? આઉટસોર્સિંગ દ્વારા થતી ભરતીને પડકારતી રીટ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજદારે આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવતી ભરતીમાં થતી ગેરરીતિના દાવા સાથે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જેને લઈને હાઈકોર્ટે સરકારી વકીલને મહત્વની ટકોર કરી હતી કે તમે તમામ સરકારી ખાતાઓમાં આઉટસોર્સિંગથી એજન્સી દ્વારા ભરતી કરો છો. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની પણ આઉટસોર્સિંગ કંપની દ્વારા જ નિમણૂંક કરાવો. રાજ્યમાં સરકારી નોકરીઓમાં આઉટસોર્સિંગથી થતી ભરતી પ્રક્રિયાની હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. આઉટસોર્સિંગથી નોકરીઓ આપી અને લોકોને અધિકારોથી વંચિત રાખવાના સરકારના વલણની સામે કોર્ટની લાલ આંખ કરી હતી. હાઈકોર્ટે મૌખિક ટકોર કરતાં કહ્યું કે, મહત્વના સરકારી પદો આઉટસોર્સિંગથી જ ભરવાના હોય તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જગ્યા પણ આઉટસોર્સિંગથી શા માટે નથી ભરતાં ?