(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૮
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપની જીત પર સંસદ ભવનની બહાર વડાપ્રધાન મોદીએ વિક્ટરી સાઈન દેખાડીને અભિવાદન કર્યું હતું. મોદીએ સંસદના શિયાળુ સત્રમાં આવ્યાં હતા. સંસદ ભવનમાં જતા પહેલા મોદીએ મીડિયાની સામે હાથ જોડીને અભિવાદન કર્યું ત્યાર બાદ વિક્ટરી સાઈન બનાવી હતી. પાછળથી મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ગુજરાત અને હિમાચલની ચૂંટણી સુશાસન અને વિકાસનું પરિણામ છે. મોદીએ ટ્‌વીટ કરતાં કહ્યું કે વિકાસની જીત થઈ છે, ગુજરાતની જીત થઈ છે. હું ભાજપના કાર્યકરોને સલામ કરૂ છું જેમણે દિવસ રાત મહેનત કરીને ભાજપને જીત અપાવી છે. તો ગૃહમંત્રી રાજનાથે પણ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું કે માથું મૂંડાવ્યું તે જ ઘડીએ કરા પડ્યાં. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરે કહ્યું કે રાહુલ ગાંધી પહેલી જ ઈનિગ્સ પર ઝીરો રનમાં આઉટ થઈ ગયાં. મોદીએ બીજું એક ટ્‌વીટ કરતાં કહ્યું કે હું ગુજરાત અને હિમાચલના લોકોને વિશ્વાસ આપવા માંગું છું કે રાજ્યના વિકાસ માટે કોઈ કસર છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે હું બન્ને રાજ્યોના લોકોને સલામ કરૂ છું જેમણે ભાજપ માટે પ્રેમ અને ભરોસો દેખાડ્યો. હું તેમને ખાતરી આપવા માંગું છું કે તેમના વિકાસ માટે કોઈ પણ પ્રકારની કસર નહીં છોડવામાં આવે.