(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. જોકે ગત ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં થોડી ઓછી સરસાઈથી ભાજપની જીત થઈ છે. ૧૮૨ વિધાનસભા સભ્યો ધરાવતી ગુજરાતમાં ભાજપને ફાળે ૯૦ તો કોંગ્રેસને ૮૦ બેઠકો મળી છે. ભાજપના નેતાઓએ કહ્યું કે ઓછી સરસાઈ નિષ્ફળતા નથી અને જે જીત્યો તે જ સિકંદર છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસના વોટ હિસ્સામાં આઠ ટકાનું અંતર બહુ મોટું ન ગણી શકાય. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીની હારની જવાબદારી સ્વીકારી છે.
૧. કોંગ્રેસને ગુજરાતમાં ૮૦ તો હિમાચલમાં ૨૩ બેઠકો મળી છે.ભાજપને ૪૯.૧ ટકા તો કોંગ્રેસને ૪૧.૧ ટકા વોટ શેર મળ્યો છે.
૨. હિમાચલમાં ભાજપને ૪૪ બેઠકો મળી છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલની હાર થઈ છે.
૩. ગુજરાતમાં ફક્ત ૨ ટકા મતદાતાઓએ નન ઓફ ધ અબોવ વિકલ્પનો ઉપયોગ કર્યો. તેમણે કોઈ પણ ઉમેદવારને વોટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
૪. મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ગુજરાત અને હિમાચલની ચૂંટણી સુશાસન અને વિકાસનું પરિણામ છે. મોદીએ ટ્‌વીટ કરતાં કહ્યું કે વિકાસની જીત થઈ છે, ગુજરાતની જીત થઈ છે. હું ભાજપના કાર્યકરોને સલામ કરૂ છું જેમણે દિવસ રાત મહેનત કરીને ભાજપને જીત અપાવી છે.
૫. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે વંશવાદ, જાતિવાદ અને તૃષ્ટિકરણની હાર તો વિકાસની જીત થઈ છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કરતાં આવું કહ્યું.
૬. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત-હિમાચલ હાર પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે જનતાનો ચુકાદો માથે ચડાવીએ છીએ. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરતાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાત અને હિમાચલના લોકોનો ચુકાદો સ્વીકારે છે.
૭. કોંગ્રેસને ગુજરાતમાં ૮૦ તો હિમાચલમાં ૨૩ બેઠકો મળી છે. રાહુલે ટ્‌વીટ કરતાં કહ્યું કે ગુજરાતના લોકોએ મને જ પ્રેમ આપ્યો તે બદલ હું હૃદયપૂર્વક તેમનો આભાર માનું છે.
૮. તેમણે કહ્યું કે મારા કોંગ્રેસી ભાઈઓ અને બહેનો તમે મને પ્રોડ બનાવ્યો છે. તમે જેમની સામે લડ્યાં તેના કરતાં તમે અલગ છો. તમે બધાને દેખાડી દીધું છે કે કોંગ્રેસની સૌથી મોટી તાકાત લોકશાહી અને સાહસમાં છે.
૯. રાજકીય નિષ્ણાંતોએ ગુજરાત ચૂંટણીને સીમાચિન્હ રૂપ ગણાવી હતી. ગુજરાત અને હિમાચલની જીત ભાજપને ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં મહત્વનુ માઈલેજ પુરૂ પાડશે.
૧૦. પોતાના ગૃહરાજ્યની જીત વડાપ્રધાન મોદી માટે પ્રતિષ્ઠાની જીત સમાન છે. રાહુલ ગાંધી વિરૂદ્ધ લડવામાં આવેલી આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ ગુજરાત ચૂંટણીને ગુજરાતીઓનું ગોરવ ગણાવ્યું હતું તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બેરોજગારી, વિકાસ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ જેવા મુદ્દાઓ ઉખેડ્યાં હતા.