કોસ્ટલ ઈકોનોમિક ઝોનમાં ગારમેન્ટ પાર્ક-નિર્માણથી કાપડ ઉદ્યોગ વિશ્વબજાર સર કરશે

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧

રાજ્યમાં કોસ્ટલ ઈકોનોમિક ઝોનમાં ગારમેન્ટ પાર્કના નિર્માણથી ૧૦૦ ટકા એક્ષ્પોર્ટ દ્વારા ગુજરાતના કાપડ ઉદ્યોગને વૈશ્વિક બજાર સર કરાવવાની નેમ વ્યકત કરતા  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અગાઉની કેન્દ્ર સરકારમાં વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હતો અને તેથી આંટીઘૂંટીમાં અટવાવવું પડતું હતું. જયારે આ સમય ટેક્ષ્ટાઈલ્સ માટે સૌથી યોગ્ય અને ઉત્તમ સમય છે.

મુખ્યમંત્રી ટેક્ષ્ટાઈલ્સ ઈન્ડિયા ર૦૧૭ અંતર્ગત સ્ટેટ સેશન ઓન ટેક્ષ્ટાઈલ્સ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ ફોર નેકસ્ટ જનરેશનમાં સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે ગારમેન્ટ ઉદ્યોગમાં માસ  પ્રોડકશન હેતુથી કોસ્ટલ ઈકોનોમિક ઝોનમાં ઉત્પાદન સ્થળે જ કારીગરોને આવાસ નિવાસ અને રોજગાર  આપીને ૧ લાખ જેટલી રોજગારી આ ટેક્ષ્ટાઈલ્સ સેકટરથી આવનારા દિવસોમાં પૂરી પાડવી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટેક્ષ્ટાઈલ્સ ઉદ્યોગ મોટાપાયે રોજગારી આપતો ઉદ્યોગ છે. તેમણે વર્લ્ડ માર્કેટમાં ગુજરાત વધુ  વ્યાપકતાથી ટકી રહે તે માટે સારા  કપાસ, યાર્ન કાપડ જિનિંગ વિવિગની આખી ચેઈનમાં આધુનિકરણની વિશેષતા સમજાવી હતી. ગુજરાતમાં વણાટ હાથ વણાટ, ડાયીંગ અને ગારમેન્ટ એમ  વસ્ત ઉદ્યોગની તમામ બાબતોને આવરી લેતા ઉદ્યોગો વ્યવસાય વિવિધ પ્રાંત પ્રદેશોમાં છે તેને હોલિસ્ટીક એપ્રોચથી ડેવલપ કરી રોજગારી સાથે ગ્લોબલ માર્કેટ પણ આપી શકાય તેવી તકો પડેલી છે. તેમણે વણકરોને રો મીટિરિયલ આદિજાતિ વિસ્તારના વનબંધુ હસ્તકારીગરોને સ્કીલ ડેવલપમેન્ટ શિક્ષણ માટે રાજય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનું સંકલન કરી રહી છે. તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યું કે ગુજરાત ટેક્ષ્ટાઈલ્સ કેપિટલમાંથી વર્લ્ડ ટેક્ષ્ટાઈલ્સ હબ બને તે દિશામાં વધુ ફોકસ કરીને આ સમગ્ર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રાજય સરકારનું મન ખુલ્લુ છે.  કેન્દ્રીય વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રધાનમંત્રીની  ફાઈવ એફ ફોર્મ્યુલાથી કાપડ ઉદ્યોગ ન્યૂ જનરેશનમાં પડકારોને અવસરમાં પલટાવી શકશે તેવો વિશ્વાસ દર્શાવી કેન્દ્ર સરકાર કપાસ ઉત્પાદક ખેડૂતો માટે સ્કીલીંગ પ્રોસેસ શરૂ કરવાની છે તેની  તેમજ ડિઝિટલ પ્રિન્ટંીગની વિશાળ તકો માટે પ્રશિક્ષિત કરવાના આયોજનની દિશામાં આગળ વધી રહી છે તેની વિશદ છણાવટ કરી હતી.