(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૩૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ રાજકીય પક્ષો વધુને વધુ સક્રિય બની રહ્યા છે. ચૂંટણીલક્ષી બેઠકો સાથે સ્ટ્રેટેજી ગોઠવવાની મથામણોનો દોર આરંભાઈ ચૂકયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ગુજરાતની ચૂંટણીને લઈને આજે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક મહત્ત્વની બેઠક યોજી હતી. ગુજરાતના ચૂંટણી ઈન્ચાર્જ અને કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલી તથા અન્ય ચૂંટણી પ્રભારીઓ સહિતના અગ્રણીઓ સાથે ચૂંટણીની રણનીતિ અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ આ બેઠકમાં થઈ હોવાની વિગતો સૂત્રો જણાવી રહ્યા છે.
અરૂણ જેટલી ઉપરાંત ભાજપના ગુજરાતની ચૂંટણીના કો-ઈન્ચાર્જ એન.એસ. તોમર, નિર્મલા સીતારમણ, જિતેન્દ્રસિંહ, પી.પી. ચૌધરી તથા ભાજપના જનરલ સેક્રેટરી રામલાલા અને ભૂપેન્દ્ર યાદવ સહિતના અગ્રણીઓ સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને આજે ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી મુદ્દે બેઠક યોજી હતી. આ ચૂંટણીમાં ૧પ૦થી વધુ લોકોનો લક્ષ્યાંક જે નિર્ધારિત કરાયો છે તેને હાંસલ કરવા ચૂંટણીલક્ષી વિશેષ રણનીતિ ઘડી કાઢવા આ બેઠક વિસ્તૃત ચર્ચા થઈ હતી.
આગામી ચૂંટણી કયા મુદ્દાઓ ઉપર લડવી મુખ્ય ફોકસ કોના પર રાખવો, તથા વધુને વધુ બેઠકો કઈ રીતે હાંસલ કરી શકાય તે સહિતના વિવિધ મુદ્દાઓ બેઠકમાં આવરી લેવાયા હતા. જેમાં આગામી ર૦૧૯મા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ગુજરાત ભાજપનું મોડલ સ્ટેટ હોઈ ત્યાં જવલંત સફળતા હાંસલ કરવી અત્યંત આવશ્યક હોવાનો મુદ્દો ઉપસ્થિત કરી તે માટે વિશેષ રણનીતિ થડી કાઢવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. આગામી ચૂંટણીમાં યુવાનોને મુખ્ય ટાર્ગેટ બનાવવા અને તેને અનુસંધાને જ યુવાનો સાથે સંવાદ શરૂ કરવાની નીતિ નક્કી કરાઈ હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે. આ પ્રકારે આગામી સમયમાં ભાજપ દ્વારા રાજયના એક લાખ યુવાનો સાથે સંવાદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા આગામી ટૂંક સમયમાં ચૂંટણી માટેના કેમ્પેઈનને લોન્ચ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભાજપની આ અગત્યની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.