(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગતરોજ બીજા તબક્કા માટે થયેલ મતદાનના ચૂંટણીપંચ દ્વારા આજે સત્તાવાર રીતે જાહેર કરાયેલ આંકડાઓ મુજબ ૭૦ ટકા એટલે કે સરેરાશ ૬૯.૯૯ ટકા મતદાન નોંધાવવા પામ્યું હતું. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ૭પ.રપ ટકા અને સૌથી ઓછું મતદાન મહિસાગરમાં ૬પ.૪પ ટકા નોંધાયું હતું. બન્ને ચરણના મતદાન મેળવતા રાજ્યની તમામ ૧૮ર વિધાનસભા બેઠકની ચૂંટણી માટેનું કુલ સરેરાશ મતદાન ૬૮.૪૧ ટકા નોંધાવવા પામ્યું હતું જે ગત ચૂંટણી (ર૦૧ર) કરતાં ઓછું રહેવા પામેલ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે ગતરોજ ગુરૂવારે મતદાન યોજાયુું હતું. જે અંગે ગત સાંજે ચૂંટણીપંચ દ્વારા અંદાજિત ૬૮.૭૦ ટકા સરેરાશ મતદાન થયાનું જણાવાયું હતું. તે બાદ આજે ચૂંટણીપંચ દ્વારા તમામ બેઠકોના ડેટા મેળવ્યા બાદ સત્તાવાર રીતે મતદાનના આંકડા જાહેર કર્યા હતા. જે મુજબ બીજા તબક્કામાં સરેરાશ ૬૯.૯૯ ટકા મતદાન નોંધાવવા પામ્યું હતું. જ્યારે પ્રથમ તબક્કામાં સરેરાશ મતદાન ૬૬.૭પ ટકા થયેલ હોઈ સમગ્ર રાજ્યની ૧૮ર બેઠકો માટેનું કુલ સરેરાશ મતદાન ૬૮.૪૧ ટકા સત્તાવાર રીતે નોંધાવવા પામ્યું છે. બીજા તબક્કામાં ગતરોજ અંદાજિત મતદાનમાં સૌથી વધુ સાબરકાંઠા અને સૌથી ઓછું દાહોદમાં મતદાન જણાવાયું હતું. જ્યારે આજે સત્તાવાર ફાઈનલ આંકડા મુજબ સૌથી વધુ બનાસકાંઠા અને સૌથી ઓછું મતદાન મહીસાગર જિલ્લામાં નોંધાવવા પામેલ છે. દરમ્યાન સમગ્ર રાજ્યના સત્તાવાર મતદાનની દૃષ્ટિએ જોઈએ તો રાજ્યભરમાં સૌથી વધુ ૭૯.૧પ ટકા મતદાન સાથે આદિવાસી બહુમતીવાળો નર્મદા જિલ્લો ટોપ પર રહેવા પામેલ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો મતદાનની દૃષ્ટિએ સૌથી પાછળ રહેતા ત્યાં પ૯.૩૯ ટકા મતદાન નોંધાવવા પામેલ છે. આ વખતે પ્રથમવાર પુરૂષ અને મહિલા સિવાયની ત્રીજી જાતિના મતદારોની યાદી જાહેર કરાઈ હતી. જે મુજબ ત્રીજી જાતિના કુલ ૭૦ર મતદારો હતા તે પૈકી ર૯રએ મતદાનમાં ભાગ લીધો હતો. એટલે કે તેઓનું ૪ર ટકા (૪૧.૬૦) મતદાન નોંધાવા પામ્યું હતું.