કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તેમની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાંસદ અહમદ પટેલ, ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા મોહન રાઠવા, પૂર્વ નેતાઓ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ, આગેવાનો, હોદ્દેદારો તથા રાજ્યભરમાંથી રપ હજારથી વધુ કાર્યકરો ઉમટી પડ્યા હતા.

 

 

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદથી કરી હતી. કોંગ્રેસના કાર્યકરોને વિશ્વાસ અપાવતા તેમણે જણાવ્યું હતું કે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને અને પેરાશૂટથી આવેલા એટલે કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને વિધાનસભાની ટિકિટ આપવામાં નહીં આવે. ટિકિટ ફાળવણીમાં કોઈપણ જાતનો પક્ષપાત રાખવામાં આવશે નહીં. વર્ષોથી પક્ષ માટે કામ કરનારા, મહેનત કરનારા કાર્યકરોને ફાળવવામાં આવશે. મેં ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતને કહ્યું હતું કે તમે ગુજરાત જાઓ અને પેરાશૂટ સિસ્ટમને ખતમ કરો. ટિકિટમાં પાયાના કાર્યકરોની અવગણના ન થવી જોઈએ. જે કાર્યકરો આરએસએસ અને ભાજપ સામે લડે છેે તેવાઓને ટિકિટ અપાવીશું. આ વિચારધારાની લડાઈ છે અને કોંગ્રેસ વિચારધારાને વરેલી પાર્ટી છે. આથી પ્રજાને સેવા કરે તેવા નેતાઓ અને કાર્યકરોની જરૂર છે. કોંગ્રેસ પક્ષને હરાવવાનો પ્રયાસ કરનાર કે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારને બહારનો રસ્તો બતાવી દેવાશે. રાજ્યભરમાંથી ઉપસ્થિત હજારો કાર્યકરોના વિશ્વાસને જગાવતા રાહુલ ગાંધીએ હુંકાર કર્યો હતો કે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસને સરકાર બનાવતા કોઈ રોકી શકશે નહીં. મોદી સરકાર અને ભાજપનો અસલી ચહેરો ગુજરાત અને દેશની જનતા સમક્ષ ખુલ્લો પડી ગયો છે. હાલમાં જે પરિસ્થિતિ અને સંજોગો ઊભા થયા છે તે ઈશારો કરી રહ્યા છે કે ભાજપ ચૂંટણીથી ડરી ગઈ છે.