(સવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
દક્ષિણ ગુજરાત પર ખૂબ વ્હાલ ઉભરાયું હોય તેમ મેઘરાજાએ મોટાભાગના જિલ્લામાં મધ્યમથી અતિભારે સ્વરૂપે વરસી પ્રજા અને ખેડૂતોે ખુશખુશાલ કરી દીધા હતા. ખાસ કરીને વલસાડ જિલ્લામાં આભ નિચોવ્યું હોય તેમ ૬થી ૧પ ઈંચ જેટલો વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકાર જેવી પસ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વાપી અને વલસાડીમાં ૧૪થી ૧પ ઈંચ વરસાદ વરસતા જિલ્લાની નદીઓ બંને કાંઠે વહી રહી છે. દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા અપરએર સાયકલોનિક સકર્યુલેશનની અસરને લીધે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. વાપી અને વલસાડમાં ૧૪ ઈંચથી વધુ વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી છે. હજુ ૨૪ કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર એલર્ટ થઈ ગયું છે. દરમિયાન ગઈકાલે બંગાળની ખાડીમાં નવું લોપ્રેસર સર્જાયું છે જે આગામી ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થશે જેની અસરતળે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ૩થી ૫ જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનથી આગાહી આપવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૩ જિલ્લાના ૧૨૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. વલસાડ અને વાપીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૪-૧૪ ઈંચ વરસાદ ખાબકયો છે. આ ઉપરાંત ઉમરગામમાં ૧૧ ઈંચ, પારડીમાં ૧૦ ઈંચ, ધરમપુરમાં ૭ ઈંચ, કપરાડામાં ૬ ઈંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. નવસારી જિલ્લાના ખેરગામમાં ૮ ઈંચ, જલાલપોરમાં ૩ ઈંચ, ગણદેવી અને ચિખલીમાં અઢી ઈંચ જ્યારે નવસારી શહેરમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો માંડવીમાં ૩ ઈંચ, પલસાણામાં ૨ ઈંચ, બારડોલી અને ચોર્યાસીમાં દોઢ ઈંચ, ઉમરપાડામાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના અમોદમાં અઢી ઈંચ ભરૂચમાં ૧ ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં પણ ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં ૨ ઈંચ અને બાયડમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પૂર્વ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા, કઠલાલમાં દોઢ ખેડામાં ૧ ઈંચ, આણંદ જિલ્લાના બોરસદમાં ૪ ઈંચ, પેટલાદમાં અઢી ઈંચ, સોજીત્રામાં અઢી ઈંચ, ખંભાતમાં દોઢ ઈંચ, તારાપુર અને અંકલાવમાં ૧ ઈંચ, વડોદરા શહેરમાં ૩ ઈંચ, જિલ્લાના ડભોઈમાં દોઢ કરજણ અને પાદરામાં ૧ ઈંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં જેતપુર પાવીમાં ૩ ઈંચ, સનખેડામાં ૨ ઈંચ, બોડેલી અને છોટાઉદેપુરમાં દોઢ ઈંચ, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ૩ ઈંચ, ઘોઘાંબા અને ગોધરામાં દોઢ ઈંચ, હાલોલ અને કલોલમાં ૧ ઈંચ, શહેરોમાં દોઢ ઈંચ, મહિસાગર જિલ્લાના બાલાસીનોરમાં ૧ ઈંચ, દાહોદ જિલ્લાના લીમખેડામાં ૩ ઈંચ, સિંઘવડમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાયું છે. જે આગામી ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થશે જેની અસરતળે આગામી ૩થી ૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હાલ ઉત્તર-પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં સર્જાયેલું લો-પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ આગળ વધશે જેના કારણે ચોમાસાને વેગ મળશે. દરમિયાન ચુડા, રાણપુર અને ભાવનગરમાં ૨ ઈંચ, મહુવા અને વિંછીયામાં દોઢ ઈંચ વરસાદ, મેઘરાજાએ રવિવારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં કૃપા વરસાવી હતી. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. ભાવનગર શહેરમાં ૫૪ મીમી, ગારિયાધારમાં ૧૯ મીમી, ઘોઘામાં ૧૬ મીમી, જેસરમાં ૫ મીમી, મહુવામાં ૩૬ મીમી, પાલીતાણામાં ૭ મીમી, સિહોરમાં ૨૩ મીમી, તળાજામાં ૧૩ મીમી, ઉમરાળામાં ૬ મીમી અને વલ્લભીપુરમાં ૧૪ મીમી વરસાદ પડ્યો છે. બોટાદ જિલ્લાના રાણપુરમાં ૪૩ મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સુરેન્દ્રનગરના ચુડામાં ૫૦ મીમી, લીંબડીમાં ૨૬ મીમી, રાજકોટના વિંછીયામાં ૩૬ મીમી વરસાદ પડ્યો છે. છેલ્લે મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામમાં દિવસ દરમિયાન વધુ ૭૦ મીમી વરસાદ પડતાં કુલ ૧૪ ઈંચ થયો હતો ત્યારે કપરાડામાં દિવસે ૧ ઈંચ વરસાદ પડતાં ૭ ઈંચ તથા વાપીમાં દિવસ દરમિયાન ૭૦ મીમી વરસાદ પડતાં ર૪ કલાકનો કુલ વરસાદ ૧૭ ઈંચ થયો હતો.