અમદાવાદ,તા. ૭
રાજ્યસભાની ચૂંટણી અને રાહુલ ગાંધીની તાજેતરની અમદાવાદની મુલાકાત બાદ જે પ્રકારે કોંગ્રેસમાં ખાસ કરીને કાર્યકરોમાં ઉત્સાહ અને નવા જોશનું વાતાવરણ જામ્યુ છે તે જોતાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે હવે કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી પણ ઝંપલાવે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસ દરમ્યાન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં રોડ-શો કરવાનું પણ કોંગ્રેસનું આયોજન છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારને લઇ રાહુલ ગાંધીના સપ્ટેમ્બર અને ઓકટોબર એમ બે મહિના દરમ્યાન કુલ ૧૪ દિવસના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં તા.૨૨થી તા.૨૬ સપ્ટેમ્બર દરમ્યાન રાહુલ ગાંધી ગુજરાતના બે ઝોનમાં ત્રણ-ત્રણ દિવસનો પ્રચાર કરશે. પ્રથમ તબકકામાં રાહુલ ગાંધી તા.૨૨મી સપ્ટેમ્બરે ગુજરાતમાં આવશે અને સૌરાષ્ટ્રના દ્વારકા ખાતેથી પ્રચારની શરૂઆત કરે તેવી શકયતા છે. તા.૨૨ અને ૨૩ સપ્ટેમ્બર દરમ્યાન રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર પ્રવાસ કરશે, જયારે તા.૨૪ અને ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડશે. એ પછી તા.૨ ઓકટોબરથી તા.૭ ઓકટોબર સુધી બીજા તબકકાના કાર્યક્રમમાં રાહુલ ગાંધી રાજયના બીજા બે ઝોન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ-ત્રણ દિવસનો ચૂંટણી પ્રચાર કરશે. જયારે તા.૮મી ઓકટોબરે યોજાનારા વિશાળ સંમેલનમાં ગુજરાતના ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો, યુવાનો સહિતના વર્ગોના પ્રશ્નોને વાચા આપશે. રાહુલ ગાંધીના આ તબક્કાઓમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન વિશાળ અને આકર્ષક રોડ-શો કરવાનું પણ કોંગ્રેસનું આયોજન છે. બીજીબાજુ, ગુજરાત કોંગ્રેસે જે પ્રકારે હાલ રાજયમાં કોંગ્રેસ તરફી માહોલ બન્યો છે તેને ધ્યાનમાં લઇ રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને પણ ચૂંટણી પ્રચારમાં ઉતારવાની કવાયત હાથ ધરી છે. આ માટે ગુજરાત કોંગ્રેસ તરફથી શ્રીમતી સોનિયા ગાંધીને વિનંતી પણ કરવામાં આવી છે. જેને પગલે હવે રાહુલ ગાંધીની સાથે સોનિયા ગાંધી પણ ગુજરાત વિધાનસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીઓના પ્રચારમાં ઉતરશે. જેને લઇ કોંગ્રેસમાં ફરી એકવાર ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.