(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ/વઢવાણ, તા.ર૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાતના સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ત્રીજા અને અંતિમ દિવસની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચામુડા મંદિરમાં દર્શન કરીને કરી હતી. તેઓ ચોટીલાગઢ પગપાળા પગથિયા ચઢયા હતા. ત્યારબાદ ચોટીલા એપીએમસી મેદાનમાં ખેડૂતોની સભાને સંબોધન કર્યું હતું.
ચોટીલા ખાતે સભાને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો દુઃખી અને પરેશાન છે. રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા કરવાને બદલે પાંચ દસ ઉદ્યોગપતિઓની જ ચિંતા કરે છે. આથી જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા દસ દિવસમાં માફ કરવામાં આવશે. અમારી સરકારમાં ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે અને વિકાસના નામે વિનાશકારી ભૂકંપ સર્જાયો છે. જીએસટી, નોટબંધી જેવા નિર્ણયોને લીધે પ્રજાને અને વેપાર ધંધાને ભારે હાલાકી વેઠવી પડી છે.
તેમણે યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને ઉદ્‌બોધીને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા હવે પરિવર્તન ઝંખી રહી છે અને ચોક્કસ પરિવર્તન આવશે. સૌરાષ્ટ્રના ગામે ગામ મને જે પ્રમાણે લોકોનો આવકાર મળ્યો અને પ્રજાએ જે રીતે મારી આગતા સ્વાગતા કરી લે જોઈ મારું હૃદય ખીલી ઉઠયું છે અને મારો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. જો તમે અમારામાં વિશ્વાસ મૂકશો તો તમારા વિશ્વાસને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરી છૂટીશું અને તમામ ધર્મ અને જ્ઞાતિના લોકોને સાથે રહી ચાલીશું. સભા બાદ રાહુલ ગાંધીએ યુવાનો, શાળાના બાળકો અને મહિલાઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.
ચોટીલા બાદ રાહુલ ગાંધીએ જસદણ સહિત વિવિધ ગામોમાં જઈ સભાને સંબોધિત કરી હતી. જેમાં પણ ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ પાટીદારો આસ્થાના ધામ ખોડલધામમાં દર્શન કરી તેઓ વીરપુર પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના નિર્ધારીત કાર્યક્રમ મુજબ તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરવાના હતા પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતાં રાત્રિ રોકાણ રાજકોટ કરશે અને કાલે સવારે દિલ્હી જવા રવાના થશે તેમ જાણવા મળ્યું છે.
અમે તમને સાચવ્યા છે તે રીતે તમે અમને સાચવજો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધી તેમની યાત્રાના ત્રીજા દિવસે પાટીદારોના આસ્થાના ધામ ખોડલધામની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. કાગવડ ખાતે ખોડલધામમાં ખોડિયાર માતાના દર્શન કરી મંદિરના ટ્રસ્ટીઓ નરેશ પટેલ સહિતની સાથે ખાનગી મુલાકાત કરી હતી. જે મુલાકાતમાં રાહુલ ગાંધીએ એવું કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે જે રીતે અમે તમને સાચવ્યા છે તે રીતે તમે અમને પણ સાચવજો આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન, સરકારની ભૂમિકા તથા હાલમાં જ સરકારે બિનઅનામત આયોગની કરેલી જાહેરાત અંગે પણ જાણકારી મેળવી હતી. જ્યારે રાહુલ ગાંધીએ ટ્‌વીટર પર એમ જણાવ્યું હતું કે, શિક્ષણ અને રોજગાર દરેક યુવાનનો અધિકાર છે. પાટીદારોનો સંઘર્ષ એળે નહીં જાય કોંગ્રેસની સરકાર બનશે તો સૌને ન્યાય મળશે.