(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રપ
ભારતીય ચૂંટણીપંચે આજરોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી પાડોશી રાજ્યોમાંથી દારૂની હેરાફેરી અટકાવવાની જે વાત કરી છે તે જ બતાવે છે કે ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાગળ પર જ છે. ભાજપના શાસનમાં ગુજરાતમાં રોજેરોજ કરોડો રૂપિયાનો દારૂ પાડોશી રાજ્યોમાંથી ઠલવાય છે. જે માટે ભાજપ સરકારનું ભ્રષ્ટ અને હપ્તારાજ જવાબદાર છે. એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું છે. ભારતીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમ ઘોષણાને આવકારતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણીપંચે મુખ્યત્વે પાડોશી રાજ્યોમાંથી દારૂ હેરાફેરી અટકાવવા માટે ચૂસ્ત વ્યવસ્થાની વાત કરી છે. સાથોસાથ પોલીંગ સ્ટેશનમાં સીસી ટીવી કેમેરા લગાવવાની પણ જાહેરાત કરી છે. કોંગ્રેસ પક્ષ આશા રાખે છે. ભારતીય ચૂંટણીપંચ તેમની બંધારણીય ફરજ અન્વયે તટસ્થ, પારદર્શક અને ભય વિના ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરશે. ભાજપે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થાય મોડી થાય તે માટે થાય તે માટે ઘણા પ્રયત્ન કર્યા હતા.
લોકતંત્રના પર્વમાં ગુજરાતની જનતા કોંગ્રેસ પક્ષને જનસમર્થન-જનઆશીર્વાદ આપશે અને ગુજરાતમાં પ્રજાલક્ષી, લોકહિત કેન્દ્ર સ્થાને રાખનાર કોંગ્રેસ પક્ષની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, રર-રર વર્ષના કુશાસન, ભ્રષ્ટ શાસન આપનાર ભાજપ સત્તા જઈ રહી હોવાના ડર-હતાશા-નિરાશાથી રઘવાઈ થઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં ભાજપ સરકાર દ્વારા કર્મચારીઓ, કર્મયોગીઓ, ખેડૂતો વગેરેના કેટલાય વર્ષોથી અટકાવી રાખેલ હક અને અધિકાર સંપૂર્ણ આપવાને બદલે ચૂંટણી લક્ષી નજીવી જાહેરાત કરી છે. ફિક્સ પગાર, આઈટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથાના ૧પ લાખ કરતા વધુ કર્મચારીઓનું છેલ્લા ૧પ વર્ષથી શોષણ કરતી ભાજપ સરકારના લીધે અનેક પરિવારો સામાજિક અને આર્થિક પરેશાનીનો ભોગ બન્યા છે. ભાજપ સરકારની નીતિ અને નિયત લાંબા સમયથી કર્મચારી વિરોધ, યુવા વિરોધી અને ખેડૂત વિરોધી રહી છે. કરાર આધારિત કર્મચારીઓને નજીવા લાભો આપવાની જગ્યાએ કાયમી પૂરા પગાર સાથે કર્મચારીઓની માંગ પૂરી કરવા જોઈએ. સરકારી ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરાવી ખાનગી શિક્ષણ તરફ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા લઈ જનાર ભાજપ સરકારમાં શિક્ષણની અધોગતિ થઈ છે. ભાજપ શાસનમાં એસ.સી., એસ.ટી. અને ઓબીસી સમાજને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને તેમના હક અને અધિકાર ભાજપ સરકારે છીનવી લીધા છે.