Ahmedabad

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ઉપર ઓખીનાં ‘કાળાં વાદળો’ છવાયાં

અમદાવાદ, તા.પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તા.૯ ડિસેમ્બરે પ્રથમ તબક્કા માટે મતદાન થશે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો હતો તે દરમિયાન ‘ઓખી’ વાવાઝોડાની શક્યતાને લીધે ચૂંટણી પ્રચાર ઉપર કાળા વાદળો છવાઈ જતા સભાઓ નેતાઓની સભાઓ ઉપર બ્રેક વાગી ગઈ છે ત્યારે ઓખીએ ગુજરાતની ચૂંટણીના પ્રચારને અટકાવી દીધો છે. પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા તેમાં તેમણે સૌથી પહેલી સભા અંજારમાં સંબોધી હતી. પરંતુ ત્યારબાદની સભા મોરબી વઢવાણ અને ધ્રાંગધ્રાની સભાઓ ઓખીની અસરને કારણે રદ કરી હતી. જો કે બીજા દિવસે બુધવારે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતનો એક દિવસનો પ્રવાસ ખેડીને ચૂંટણીનો પ્રચાર કરે તેવી શક્યતા છે. હાલમાં ઓખીની અસરને લીધે આવતીકાલે સુરતમાં વડાપ્રધાન મોદીની યોજાનારી સભા રદ કરી દેવાઈ છે. તે સભા હવે તા.૭ ડિસેમ્બરે સુરતમાં યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરારાજે અભિનેતા અને કોંગ્રેસના નેતા રાજ બબ્બર સહિતના અનેક નેતાઓની આજની રેલીઓ અને જાહેરસભા સહિતના તમામ કાર્યક્રમો રાજકિય પક્ષો દ્વારા રદ કરવાની જાહેરાત કરવામા આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં આજે રાત્રીના સુમારે પ્રવેશનારા ઓખી વાવાઝોડાની સંભવિત અસરોના પગલે બદલાયેલુ વાતાવરણ, ઠંડા અને ખરાબ હવામાન અને અનેક વિસ્તારોમા સતત વરસી રહેલા વરસાદને પરિણામે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા આજે રાખવામાં આવેલી તેમની ત્રણ રેલીઓ અને સભાઓ રદ કરવા અંગેની ટવીટર હેન્ડલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ કોંગ્રેસના નેતા અને અભિનેતા રાજબબ્બર દ્વારા માંગરોળ ખાતે આયોજિત તેમના કાર્યક્રમો રદ કરી દીધા હતા.આ સાથે જ સુરતમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા પણ તેમના કાર્યક્રમો રદ કરી હતી. બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની અધ્યક્ષતામાં સુરતમાં આયોજિત કાર્યક્રમ પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.