અમદાવાદ, તા.ર૬
પુલવામા આતંકી હુમલાના ૧ર દિવસ બાદ ભારતીય વાયુસેના દ્વારા પીઓકેમાં બોમ્બ વરસાવી આતંકીઓના કેમ્પોનો ખાતમો બોલાવી દીધો છે. એટલે ભારત દ્વારા વધુ એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા કચ્છમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. સર્જિકલ સ્ટ્રાઈક બાદ ગુજરાતની તમામ બોર્ડર પર હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાએ પીઓકેમાં કરેલી કાર્યવાહી બાદ ગુજરાતમાં પાકિસ્તાનને અડીને આવેલા કચ્છમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. સૂત્રોના મુજબ મંગળવારે સવારે ૬ વાગ્યાના અરસામાં કચ્છના અબડાસા તાલુકાના તૂનઘાતડ ગામ પાસે એક પાકિસ્તાની ડ્રોનને ભારતીય એરફોર્સ દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યું હતું. ગામના કેટલાક લોકોએ વહેલી સવારે ધડાકાનો અવાજ સાંભળ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ઘટના સ્થળેથી ડ્રોનનો ભંગાર મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ડ્રોન ભારતીય સીમમાં સુરક્ષા દળોની રેકી કરવા આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના આ મનસુબા પર એરફોર્સે પાણી ફેરવી દીધું છે. આજે ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરતા પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેના કારણે પાકિસ્તાન આતંકી પ્રવૃતિઓની દુકાન હોવાનું પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ વચ્ચે ગુજરાત અને પાકિસ્તાનની દરિયાઈ પટ્ટીમાં સુરક્ષા જવાનોએ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં ભારતનો સૌથી મોટો ૧૬૦૦ કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર છે. ઉપરથી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે માત્ર ૫૦૮ કિલોમીટર જેટલું જ અંતર હોવાથી દરિયાઈ પટ્ટીને સુરક્ષિત કરવાની કવાયતમાં ઈન્ડિયન નેવી લાગી ચુકી છે. સુત્રોના જણાવ્યા મુજબ સોમનાથ, પોરબંદર અને કચ્છની બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારતનો સૌથી મોટો ૧૬૦૦ કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર છે. જેને હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દરિયાની વચ્ચોવચ્ચ અસંખ્ય ટાપુઓ અને કિનારાના વિસ્તારોમાં પોલીસ, નેવી અને એરફોર્સની બાજ નજર છે. જેના પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાતના બે મોટા વિસ્તારો સૌરાષ્ટ્રમાં આવેલા છે. સોમનાથ મંદિર પણ દરિયાની નજીક છે તો દ્રારકાનું મંદિર પણ દરિયાની નજીક જ આવેલું છે. જેના કારણે તેમની સઘન સુરક્ષામાં જવાનો લાગી ચૂક્યા છે. પોરબંદરનો દરિયા કિનારો ગુજરાતમાં આતંકીઓને ઘુસવા માટેનો મોટો ગેટ માનવામાં આવે છે. ૨૦૦૮માં ૨૬-૧૧ વખતે થયેલા હુમલામાં પણ બોટ પોરબંદરથી જ લાવવામાં આવી હતી. જેથી નેવી ત્યાં સૌથી વધારે તપાસ કરી રહી છે. અને મરિન કમાન્ડોને પણ હાઈએલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. પીઓકેમાં ઘૂસીને વાયસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ ગુજરાત પોલીસ એલર્ટ બની છે. ગુજરાતના તમામ એકમોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરહદી વિસ્તારમાં વોચ ગોઠવવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાન પર કરેલા એર સ્ટ્રાઈક બાદ ગુજરાતની તમામ સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. ગુજરાત અને પાકિસ્તાનને જોડતી સરહદો પર બીએસએફને એલર્ટ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન હુમલા બાદ બનાસકાંઠામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ડીસાથી સુઈગામ તરફ પાકિસ્તાન સરહદ તરફ જતાં માર્ગ પર સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તમામ વાહનોનું આગથળા પોલીસ સઘન ચેકીંગ કરી રહી છે. જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડરના પગલે પોલીસ એલર્ટ જોવા મળી હતી.