(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે ઊભી થયેલી પરિસ્થિતિને પગલે દેશમાં તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતને હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક તરફ પોલીસ કમિશનરે સુરત શહેરને હાઇએલર્ટ જાહેર કર્યું છે ત્યારે બીજી તરફ સુરત શહેરના દરિયાઇ પટ્ટાને પણ ખાસ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. પરંતુ સુરતનો હજીરા અને મરીનનો દરિયાઇ પટ્ટો રાત્રે નિરાધાર હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિવસે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે પરંતુ રાત્રે કોઇ પેટ્રોલિંગ માટે બોટ નહીં હોવાના કારણે પેટ્રોલિંગ સામે સવાલો ઉઠવા પામ્યા છે.
ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કર્યા બાદ બંને દેશો વચ્ચે વાતાવરણ તંગ બન્યું છે બંને દેશો પોત-પોતાની રીતે ઉચ્ચસ્તરીય બેઠકો પણ યોજી રહ્યા છે. આતંકવાદીઓ દ્વારા ભારતમાં દિલ્હી અને ગુજરાતને ઉડાવવાની ચીમકી પણ આપી છે. બંને દેશો વચ્ચેના વાતાવરણને કારણે હાલમાં દેશણાં તમામ રાજ્યોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હી અને ગુજરાતને સૌથી વધુ હાઇએલર્ટ પર મૂકાતા સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરને હાઇએલર્ટ જાહેર કર્યું છે. સુરતમાં તમામ ચેકપોસ્ટ, જાહેર જગ્યાઓ, દરિયાઇ પટ્ટી તમામ જગ્યાએ સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. રાત્રી પેટ્રોલિંગ પણ સધન કરી દેવામાં આવ્યું છે. ત્યારે હાલમાં સુરત શહેરમાં મરીન અને હજીરા એમ બે દરિયાઇ પટ્ટા અસર કરે છે. બંને જગ્યાએ સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. સુરત પોલીસ પાસે માત્ર એક જ બોટ છે. પરંતુ તે માત્ર દિવસે જ પેટ્રોલિંગમાં ચાલે છે. રાત્રી પેટ્રોલિંગમાં બોટ અસક્ષમ હોવાને કારણે દરિયામાં કોઇપણ પ્રકારનું પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. જેના કારણે દરિયાઇ પટ્ટો રાત્રે નિરાધાર બન્યો છે. માત્ર દરિયા કિનારે પોલીસ ગોર્ડ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તે કેટલું સફળ પુરવાર થાય તે તો સમય આવે ત્યારે જ ખબર પડશે.
નામના સરપંચો, માછીમારો, સિક્યુરિટી કંપનીઓ સાથે મીટિંગો કરવામાં આવી
સુરત શહેરને હાઇએલર્ટ જાહેર કરતાંની સાથે જ સૌથી વધુ ભય દરિયા પટ્ટાનો છે. દરિયાઇ પટ્ટો ઘૂસણખોરી માટે સરળ રસ્તો હોવાનો કારણે તેને વધુ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ડીસીપી, એસીપી અને હજીરા પીઆઇ દ્વારા મરીન અને હજીરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં હજીરા અને મરીન વિસ્તારની તમામ સિક્યુરિટી કંપનીઓ, તમામ ગામના સરપંચો અને માછીમારો સાથે મીટિંગો કરવામાં આવી હતી. તમામને જરૂરી સૂચના આપવામાં આવી હતી. કોઇ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત પોલીસ મથકે અથવા ડીસીપી, એસીપી કે પીઆઇને સીધો ફોન કરવા માટે નંબર પણ આપી દેવામાં આવ્યા છે. સુરત શહેરને હજીરા અને મરીન બે સૌથી વધુ વ્યસ્ત દરિયા કિનારા લાગે છે. બંને જગ્યાએ એક નેશનલ અને ઇન્ટનેશનલ કંપનીઓ આવેલી છે. લાખોની સમખ્યામાં કામદારો પણ કામ કરે છે. ત્યારે અહીં સૌથી વધુ ભય જોવા મળે છે. સુરત શહેરને હાઇએલર્ટ પર મૂક્યા બાદ દરિયાઇ પટ્ટા પર સિક્યુરિટી વધારી દેવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાઇટ પેટ્રોલિંગ બોટ માટે અનેક વાર ટપાલો લખવામાં આવી છે પરંતુ બોટ ફાળવવામાં આવી નથી જેના કારણે નાઇટ પેટ્રોલિંગ અશક્ય છે.
મરીન-હજીરા પોલીસ મથકનો ચાર્જ માત્ર એક પીઆઈના હવાલે
પાકિસ્તાન વિરૂદ્વ એર સ્ટ્રાઇક બાદ ગુજરાતને હાઇએલર્ટ જાહેર કર્યા બાદ સુરત પોલીસ કમિશ્નર દ્વારા સુરત શહેરને હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, ગંભીર બાબત તો એ છે કે, છેલ્લા ત્રણ દિવસથી મરીન પીઆઇ વાઘેલા કોર્ટની તારીખ માટે રજા પર છે. જેથી મરીન પોલીસ મથકનો ચાર્જ હજીરા પીઆઇને સોંપવામાં આવ્યો છે. હજીરા અને મરીન બંને પોલીસ મથક વચ્ચે ખાસ્સું અંતર હોવાની સાથે બંને સૌથી વધુ હાઇએલર્ટ અરીયો હોવા છતાં પણ માત્ર એક જ પીઆઇ ને ચાર્જ સોંપવામાં આવ્યો હોવાના કારણે બંને એરિયા કેટલા સુરક્ષિત તેના પર સવાલો ઉઠવા પામ્યા છે.