(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે ચર્ચાએ હવે જોર પકડ્યું છે. રાજકીય નિષ્ણાતો વચ્ચે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે. શું વિજય રૂપાણીને ફરી રાજ્યના મુખ્ય પ્રધાન બનાવાશે ?
રૂપાણીને મુખ્યમંત્રી કેવી રીતે બનાવ્યા ?
ર૦૧પમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન તીવ્ર બનતાં તેમજ સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના પ્રદર્શનમાં ઘટાડો થતાં પાર્ટીએ આનંદીબેન પટેલને સાઈડલાઈન ન કરી રૂપાણીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા.
નીતિન પટેલ : નીતિન પટેલ ૧૯૯પથી રાજ્યના રાજકારણમાં સક્રિય બન્યા હતા. તેઓ એક સફળ બિઝનેસમેન પણ છે. રાજકીય કટોકટી સમયે તેમની કુશળતા જોવા મળી હતી. ર૦૧૪માં મોદીના કેન્દ્રમાં ગયા બાદ અને આનંદીબેન પટેલને દૂર કરાયા બાદ નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા ચાલી હતી પણ તેમને સફળતા મળી ન હતી.
અમિત શાહ : ભાજપે અમિત શાહ વિના કોઈ ચૂંટણીમાં ભાગ લીધો નથી તેઓ પાર્ટીના મુખ્ય રણનીતિકાર છે. તેઓ ગુજરાતની રાજ્યસભાના સાંસદ છે અને મોદીના જમણા હાથ છે તેમજ હાલ પાર્ટીના પ્રમુખ છે. શું મોદી શાહને દિલ્હીમાં જ રહેવા દેશે કે ગૃહ રાજ્યની જવાબદારી સોંપશે.
જીતુ વાઘાણી : જીતુ વાઘાણી પણ ગુજરાતના મુખ્યમંત્રી પદની દોડમાં છે. ર૦૦૭માં તેઓ ભાવનગરથી ચૂંટણી હાર્યા હતા. ર૦૧રમાં ભાવનગર પશ્ચિમ બેઠક પરથી તેમનો વિજય થયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં તેમનો વિજય સૌથી મોટા અંતરથી થયો હતો. તેઓ ર૦૧૭ની ચૂંટણીમાં ફરી આ બેઠક પરથી વિજય થયા છે. રૂપાણીના મુખ્યમંત્રી બન્યા બાદ તેમને પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા.
અલબત્ત આ દોડમાં કેટલાક આશ્ચર્ય પમાડનારા નામો પણ સામેલ છે. જેમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, મંસુખ એલ.માંડવિયા મુખ્ય છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ સ્મૃતિ ઈરાની મુખ્યમંત્રી પદના મજબૂત દાવેદાર છે. માંડવિયા સૌરાષ્ટ્રના છે અને પાટીદાર છે. તેઓ ખેડૂત નેતા ગણાય છે. અંતિમ નિર્ણય કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી અને પાર્ટીના મહાસચિવ સરોજ પાંડે સાથેની ચર્ચા બાદ લેવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીમાં એક ચર્ચા એવી પણ છે કે રૂપાણીને જ મુખ્યમંત્રી પદે ચાલુ રાખવામાં આવે તેમને બદલવાની જરૂર નથી. ગુજરાતમાં નવા ચહેરાની તાજપોશી થશે કે રૂપાણીને જ મુખ્યમંત્રી પદે ચાલુ રખાશે તે સમય જ બતાવશે.