અમદાવાદ,તા. ૬
કિલર સમાન સાબિત થઇ રહેલા અને દરરોજ મોટી સંખ્યામાં લોકોને પોતાના સકંજામાં લઇ રહેલા સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં વધુ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ૧૨૭ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. પાંચના મોત સાથે જ મોતનો આંકડો વધીને ૩૮૨ થઇ ગયો છે જ્યારે વધુ ૧૨૭ કેસો નોંધાતા જાન્યુઆરીથી લઇને ત્રીજી સપ્ટેમ્બર સુધી કેસોની સંખ્યા વધીને ૫૯૧૯ સુધી પહોંચી ગયો છે. કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. સ્વાઈન ફ્લુથી મોતના મામલામાં ગુજરાત સૌથી અગ્રણી રાજ્ય પૈકી થઇ ગયું છે. ૨૦૦૯ બાદથી સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં ૧૭૦૧ મોત થયા છે. કિલર સ્વાઈન ફ્લુને કાબૂમા લેવામાં સફળતા મળી રહી છે તેવા ગુજરાત સરકારના દાવાઓ છતાં સ્વાઇન ફ્લુના કારણે દરરોજ મોતનો સિલસિલો જારી રહ્યો છે. નવા કેસ દર્શાવે છે કે ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે. સરકારી આંકડા દર્શાવે છે કે, છેલ્લા ૧૮ દિવસના ગાળામાં સ્વાઈન ફ્લુના કારણે ૧૩૮ના મોત થઇ ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આટલા ગાળામાં જ સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૩૦૭૯ થઇ ગઇ છે. તેમછતાં સરકારી તંત્ર સાચા આંકડા બહાર ના આવે અને લોકોમાં સ્વાઇન ફુલની સાચી પરિસ્થિતિ ખુલ્લી ના પડી જાય તે હેતુથી સાચી આંકડાકીય માહિતી પણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમછતાં સ્વાઇન ફલુના મામલે સરકાર અને સત્તાવાળાઓની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી જ ગઇ છે. ખુદ સરકારી તંત્રના દાવા મુજબ, રાજયભરમાં સ્વાઇન ફુલને લઇ હાથ ધરાયેલા સર્વેક્ષણમાં અત્યારસુધીમાં શંકાસ્પદ જણાતાં હજારો વ્યકિતઓને પ્રોફાઇલેકટીક સારવાર હેઠળ આવરી લેવાયા છે. રાજયમાં હાલ સ્વાઇન ફલુના સેંકડો દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી અનેક દર્દીઓ વેન્ટીલેટર પર છે. સ્વાઈન ફ્લુને લઇને ભારે ખળભળાટ જારી રહ્યો છે. સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આંકડા પરથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. ઘણા દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ હોવાથી મોતનો આંકડો વધવાની દહેશત છે.