અમદાવાદ, તા.૧૮
ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને ફિડે (વર્લ્ડ ચેસ ફેડરેશન)ના નેજા હેઠળ ‘વર્લ્ડ યુથ (અન્ડર ૧૬) ચેસ ઓલમ્પિયાડ-ર૦૧૭, ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ તા.૧૦મી ડિસેમ્બર, ર૦૧૭થી તા.ર૦મી ડિસેમ્બર ર૦૧૭ સુધી કર્ણાવતી કલબ અમદાવાદ ખાતે રમાશે.
આ ટુર્નામેન્ટમાં લગભગ ૩૦૦ જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓ દુનિયાના ૬૦થી વધુ દેશોમાં ભાગ લેવા આવશે. આ ટુર્નામેન્ટ ટીમ ફોર્મેટમાં રમાડવામાં આવશે. જેમાં પ ખેલાડીઓનો સમાવેશ થાય તેવી ૬૦થી વધુ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવશે. આ પાંચ ખેલાડીઓમાં એક ખેલાડી તરીકે ગર્લ્સ ખેલાડીએ રમવું આવશ્યક છે અને ૧ કપ્તાન (મેનેજર, ટ્રેઈનર)નો સમાવેશ થાય છે.
પાંચ શ્રેષ્ઠ ટીમનો એવોર્ડ દ્વારા નવાજમાં આવશે જ્યારે ૬ મેમ્બરની શ્રેષ્ઠ ટીમને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી નવાજવામાં આવશે. આ ઉપરાંત ગર્લ્સ માટે તેમજ શ્રેષ્ઠ બોર્ડને પણ ઈનામો આપી સન્માનિત કરવામાં આવશે. ટુર્નામેનટમાં કુલ પાંચ લાખના ઈનામો આપવામાં આવશે.
ટુર્નામેન્ટનો ઉદ્‌ઘાટન સમારંભ તા.૧૦-૧ર-૧૭ના રોજ રાત્રે ૮ઃ૦૦ કલાકે જ્યારે ઈનામ વિતરણ સમારંભ ૧૯ ડિસેમ્બરે યોજાશે. ટોપ ટેબલ્સનું જીવંત પ્રસારણ ટુર્નામેન્ટની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા કરવામાં આવશે.
આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના પ્રમુખ અજય પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ, વાઈસ પ્રેસિડન્ટ રાકેશ શાહ, જયેશ મોદી, મયુર પટેલ, જોય ચૌહાણ, અંકીત દલાલ અને સમીર શાહ ઉપસ્થિત રહ્યા હતા.