(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
ગુજરાતના ત્રણ દિવસના ચૂંટણી પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હાથીજણથી નવસર્જન યાત્રાની શરૂઆત કરી પોતાના સંબોધનમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા. નરેન્દ્ર મોદી પર સીધા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે. પરિણામે મોદીના ચહેરા પરથી ચમક ઉતરી ગઈ છે.
રાહુલ ગાંધીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહના મુદ્દે પ્રહાર કરતા જણાવ્યું હતું કે જય શાહની કંપનીમાં સામાન્ય લોકો અને ખેડૂતોના પૈસા છે. જય શાહની કંપનીમાં થયેલા ૧૬૦૦૦ ગણા ટન ઓવર વધારા મુદ્દે મોદી પર નિશાન તાકતા તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ‘ના ખાઉંગા ના ખાને દુંગા’ની વાત કરતા હતા પરંતુ આ કેસમાં સાવ ઉલટુ જ જોવા મળ્યું છે. જ્યારે મોદી બીજું એમ પણ કહેતા હતા કે હું વડાપ્રધાન બનવા નથી માંગતો પરંતુ ચોકીદાર બનવા માંગુ છું. રાહુલ ગાંધીએ આ જ મુદ્દે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે “તમે ચોકીદાર બનવાની વાત કરતા હતા હવે ભાગીદાર તો નથી બની ગયા ને ?” અમિત શાહના પુત્રની કંપની ૧ર વર્ષ જૂની છે પરંતુ કંપનીનો નફો થવાની શરૂઆત વર્ષ-ર૦૧૪થી શરૂ થઈ હતી. બની શકે કે આ જ નરેન્દ્ર મોદીનું સ્ટાર્ટ-અપ ઈન્ડિયા જે મેક ઈન ઈન્ડિયાની શરૂઆત હોઈ શકે છે.
અમદાવાદના હાથીજણથી શરૂ થયેલી કોંગ્રેસની નવસર્જન યાત્રા મહેમદાવાદના ખાત્રજ ખાતે પહોંચી હતી જ્યાં રાહુલ ગાંધીએ સભાને સંબોધન કર્યું હતું જ્યાં રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં રર વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ તે ગુજરાતના દિલની વાત સાંભળતી નથી પોતાના મનની વાત જ કહે છે અને પોતાનું જ ધાર્યું કરે છે. ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, પછાતો કોઈનું પણ આ સરકારમાં સાંભળવામાં આવતુ નથી. તમારે જો કોઈને મદદ કરવી હોય તો પહેલા તેમને શાંતિથી સાંભળવા પડે તેમની જરૂરિયાતો શું છે તે જાણવું પડે. પરંતુ કમનસીબે ગુજરાતમાં એવું કાંઈ થતુ નથી.
ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કરી રાહુલ ગાંધીએ લોકોના દિલ પર સીધો વાર કરતા જણાવ્યું હતું કે હું તમારૂ દર્દ સમજુ છું. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો અમે દરેકના મનની વાતા સાંભળીશું અને નાનામાં નાનો નિર્ણય લેતા પહેલા પ્રજાની સાથે ચર્ચા કરીશું. ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે તેમની જમીનો છીનવી લેવામાં આવી રહી છે પરંતુ અમે સાચા ગુજરાતા મોડલની સ્થાપના કરીશું.
નોટબંધી અને જીએસટી મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને કોઈને પૂછ્યા વિના રાતોરાત નોટબંધી કરી નાખી અને જીએસટી પણ લાગુ કરી દીધા તેના પરિણામે દેશમાં બેરોજગારી વધી છે. ચીન રોજના પાંચ હજાર લોકોને રોજગારી પુરી પાડે છે. જ્યારે ભારતમાં માત્ર ૪પ૦ લોકોને રોજગારી મળે છે. વડાપ્રધાનના આડેધડ નિર્ણયોને લીધે દેશના નાના અને મધ્યમ ઉદ્યોગો પડી ભાંગ્યા છે.