અમદાવાદ, તા.૧૩
રાજયની સરહદી ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી તથા રાજ્ય અને રાષ્ટ્રની સુરક્ષા વધારે મજબુત બને રાજ્યના યુવાનોમાં શૌર્ય, સાહસ અને બલિદાનની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યમાં સૈનિક શાળાઓ સ્થાપવાનો અને તેના દ્વારા યુવાનોને સૈનિક શિક્ષણ આપવા માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રી મંડળની બેઠકમાં રાજયમાં સૈનિક શાળા સ્થાપવાની શિક્ષણ વિભાગની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. રાજ્યમાં આ પ્રકારની શાળાઓ પીપીપી ધોરણે શરૂ કરવાનો પણ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આવી સુચિત સૈનિક શાળાઓ માટે નક્કી કરાયેલ માર્ગદર્શિકાઓની વિગત આપતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજયમાં આવેલ માન્યતા પ્રાપ્ત શાળાઓ કે જેમની પાસે પોતાના હયાત મકાન અને મેદાનની સગવડ ઉપલબ્ધ છે તે આ પોલીસીનો લાભ લઈ શકશે. મહેસુલ વિભાગ દ્વારા શાળા પાસેથી હયાત મેદાનની જમીનનું ક્ષેત્રફળ ધ્યાને લઈ ૧૬ એકરમાં ખુટતી જમીન હયાત મેદાનની જમીનની નજીક આપવામાં આવશે. સૈનિક શાળાને પ્રતિ વિદ્યાર્થી પ્રતિ વર્ષ ૩૦,૦૦૦ અનુદાન સરકાર તરફથી આપવામાં આવશે. સૈનિક શાળા માટે જરૂરી મકાનની સુવિધા ખાનગી સંસ્થાને પોતાના ખર્ચે ઉભી કરવાની રહેશે. સૈનિક શાળા માટે વિગતે આપેલ ૧૬ એકર જમીનમાં રમતના મેદાન, ટ્રેક એન્ડ ફીલ્ડ, ઘોડેસવારી, મેદાન વગેરે ખાનગી સંસ્થાએ સ્વ.ખર્ચે ડેવલોપ કરવાના રહેશે. સૈનિક શાળા માટે ૧૬ એકર જમીનની જે જરૂરિયાત નક્કી કરાઇ છે. તેમાં વહીવટી બ્લોક માટે ૦.૫ એકર, શૈક્ષણિક બ્લોક ૧.૫ એકર, હોસ્ટેલ માટે ૦૧ એકર, રમત-ગમતનું મેદાન માટે ૧૧ એકર, મીલીટ્રી ટ્રેનીંગ માટે ૦૧ એકરનો સમાવેશ થાય છે.