(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનો પ્રચાર અને પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજરોજ અમદાવાદની મુલાકાતે આવેલા રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટે ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, જ્યારથી ગુજરાતમાં રાહુલ ગાંધી પ્રચાર માટે આવ્યા છે ત્યારથી ભાજપ ડરી ગયો છે. હવે આગામી ચૂંટણીમાં ભાજપનો પરાજય નક્કી જ છે અને કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો. સચિન પાયલોટે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પણ હવે એવું ઈચ્છી રહી છે કે અહીંયા સત્તા પરિવર્તન જરૂરી છે. જનતાના ચૂંટણીલક્ષી રિપોર્ટને ધ્યાને લેતાં હું એટલી ખાતરી આપી શકું કે ભાજપ હવે ગમે તે કરી લે પણ આ ચૂંટણીમાં તેમના માટે જીતવું ઘણું જ મુશ્કેલ બની જશે. ભાજપ હવે કોંગ્રેસ પર જાતિવાદના ભાગલાનો આરોપ લગાવી રહ્યું છે. આજે દરેક પ્રકારના સમાજ પર જે પણ અત્યાચારો થયા, લાઠીચાર્જ કરવામાં આવ્યા તેમજ ગોળીબારો કરવામાં આવ્યા તે કોની સરકારના રાજમાં થયું એ સૌ કોઈ જાણે છે. હાર્દિકની સીડીને લઈ ભાજપ પર પ્રહાર કરતાં નિવેદન આપતાં સચિન પાયલોટે જણાવ્યું કે, જો ભાજપ સક્ષમ હોત અથવા પોતાના કામ પર જો તેને વિશ્વાસ હોત તો લોકોના ચરિત્રને હનન કરવાની જે કોશિશ કરવામાં આવી રહી છે તે કદાચ ના થઈ રહી હોત. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઝંઝાવાતી પ્રચારથી ભાજપ હેરાન પરેશાન થઈ ગયો છે. રાહુલ ગાંધીને જે રીતે પ્રજાનું જબ્બર સમર્થન મળી રહ્યું છે. તે જોતાં ભાજપના પગ નીચેથી ધરતી સરકી ગઈ છે.