અમદાવાદ,તા. ૨૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તા.૪થી સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે આવવાના છે, ત્યારે બીજીબાજુ, વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારને લઇ રાહુલ ગાંધીના સપ્ટેમ્બર અને ઓકટોબર એમ બે મહિના દરમ્યાન કુલ ૧૪ દિવસના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાહુલ ગાંધીના પ્રચાર કાર્યક્રમ અને આગામી મુલાકાતને લઇ આજે પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી, જેમાં કાર્યકરોથી માંડી ટોચના નેતાઓને રાહુલ ગાંધીની મુલાકાત સંબંધી જાણકારી આપી વાકેફ કરાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તા.૪થી સપ્ટેમ્બરે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પંચાયતી રાજના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓનું વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ખાસ હાજર રહેવાના છે. તેમની મુલાકાતને લઇ કોંગ્રેસ દ્વારા અત્યારથી રાજયના જિલ્લા-તાલુકા કક્ષાએથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો-નેતાઓને આમંત્રિત કરાયા છે. કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભારે કમર કસી છે. તા.૪થી સપ્ટેમ્બરની રાહુલ ગાંધીની મુલાકાત બાદ તા.૨૧થી તા.૨૬ સપ્ટેમ્બર દરમ્યાન રાહુલ ગાંધી ગુજરાતના બે ઝોનમાં ત્રણ-ત્રણ દિવસનો પ્રચાર કરશે. સૌરાષ્ટ્રના દ્વારકા ખાતેથી રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રચારની વિધિવત્ શરૂઆત કરે તેવી શકયતા છે. એ પછી તા.૨ ઓકટોબરથી તા.૭ ઓકટોબર સુધી બીજા દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધી રાજયના બીજા બે ઝોનમાં ત્રણ-ત્રણ દિવસનો ચૂંટણી પ્રચાર કરશે. જયારે તા.૮મી ઓકટોબરે યોજાનારા વિશાળ સંમેલનમાં ગુજરાતના ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો, યુવાનો સહિતના પ્રશ્નોને વાચા આપશે.
આમ, ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇ રાહુલ ગાંધીના સંભવિત કાર્યક્રમને લઇ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નેજા હેઠળ યોજાયેલી આજની બેઠકમાં ચર્ચા વિચારણા અને તૈયારીઓની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોને એકત્ર કરવાની સૂચના આપી દેવાઇ છે.
ગુજરાતમાં રાહુલ ગાંધીનો બે માસમાં ૧૪ દિવસનો પ્રચાર કાર્યક્રમ યોજાશે

Recent Comments