(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
ભાજપને ગુજરાતમાંથી ભારતના વડાપ્રધાન મળ્યા છે અને ત્યાં જ હવે ગુજરાતમાં ભાજપ સરકાર સંકટમાં છે. સ્થિતિ એટલી વણસી ગઇ છે કે, ગુજરાતમાં ભાજપને હારવાનો ડર સતાવી રહ્યો છે. આવી સ્થિતિથી આશ્ચર્યચકિત અમિત શાહે ગુજરાતમાં વડાપ્રધાન મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના સૌથી પ્રભાવશાળી મહિલા નેતા સુષમા સ્વરાજને બોલાવ્યા છે. આગામી દિવસોમાં આરએસએસના સ્ટાર પ્રચારક અને ભાજનપા મોટા નેતાઓ પણ ગુજરાતમાં ધામા નાખશે. ગુજરાતમાં હાલમાં સોશિયલ મીડિયા પર પ્રચલિત સૂત્ર ‘વિકાસ ગાંડોે થયો છે’એ આ કોમવાદી સંગઠનને શરમમાં મુકી દીધું છે.
ગુજરાતમાં ભાજપ આ વખતે ૨૦ વર્ષથી વધુ શાસન કર્યું છતાં વિકાસ દેખાતો નથી તેવા સવાલોના ઘેરામાં આવ્યુું છે અને સાથે જ મોદી અને અમિત શાહ જેવા ચહેરાઓ દિલ્હીમાં હોવાને કારણે ગુજરાતની ભાજપની નેતાગીરી નબળી દેખાઇ રહી છે. આ કારણે જ ભાજપ હવે પોતાના તમામ દિગ્ગજો સાથે ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાતનો પરચો આપવા મથી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, આ દરમિયાન મોદીએ દ્વારકા, રાજકોટ, વડનગર અને ભરૂચમાં સભાઓ સંબોધિત કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પહેલીવાર પોતાના વતન વડનગરની મુલાકાત લીધી હતી.