અમદાવાદ, તા.ર૭
રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં અનેક જગ્યાએ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. રાજ્યના પ૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જેમાં સૂત્રાપાડાના પ્રાંચલીમાં તો માત્ર ૩ કલાકમાં નવ ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી ફરી વળ્યું હતું તો રાજ્યના ૮૭ તાલુકાઓમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો તો ૧૪૬ તાલુકાઓમાં ર૦ ઈંચથી ૪૦ ઈંચ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૪૮.૧૦ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યનો સરેરાશ વરસાદ ૧ર૯.૪૩ ટકા વરસ્યો છે. સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડીયા સુધીમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ ૩ કલાકમાં ૯ ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઇ શહેરનાં માર્ગો નદીમાં પલટાઇ ગયા હતાં અને વાડી વિસ્તારમાં જળબંબાકાર થઇ ગયો હતો. અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી થઇ જતાં લોકોએ પણ આવું દ્રશ્ય પ્રથમ વખત જોતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.પ્રાચલીનાં રસ્તાઓ પર વરસાદનાં પગલે નદી વહેતી થઈ હોય તેવુ દ્રશ્ય સર્જાયું હતું. તેમજ ઉનામાં ગત રાત્રે ૨થી ૪ વાગ્યા સુધીમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. ગીર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજા યથાવત છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમજ ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટકા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ખાંભામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ગામડાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. વરસાદને કારણ મગફળી અને કપાસના પાકને નુકસાન પહોચતા ખેડૂતોમાં ચિંતાજોવા મળી રહી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ ઉના પંથકમાં રાત્રિના વરસાદ બાદ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ખાંભા પંથકમાં ૧થી ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. સિહોરમાં પણ વહેલી સવારે ૪ વાગ્યાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ચારેબાજુ પાણી પાણી થઇ ગયું છે. વીજળીના કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મવાળા ગીરના સિંગોડા ડેમ ઓવરફ્લો થતા બે દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ કોડીનાર બ્રિજ પર પાણી ફરી વળ્યું છે. આથી પોલીસ દ્વારા વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો. તેમજ ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા જવાના પુલ પર પાણી ફરી વળ્યા છે. ચોમાસામાં વારંવાર સંપર્ક વિહોણું બને છે. જીવના જોખમે ગામના લોકો પુલ ઓળંગી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણી આવક ચાલુ છે. ડેમના ૬ દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમની નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની નીચેના ૧૭ જેટલા ગામોને એલર્ટ કરાયા છે.નદીના પટમાં નહીં જવા તંત્રએ સુચના આપી છે. અમરેલીના જાફરબાદના દરિયા કાંઠાના પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે.જાફરાબાદના કડીયાળી, બલાણા, વઢેરા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે.કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં બે દિવસ બાદ ફરી વરસાદ વરસ્યો છે..જોકે બાજરીના પાકને નુકશાન થશે તેવો ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે. ભાવનગર પંથકમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે..ભાવનગરના શિહોરના ટાણા વરલ ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી નદી-નાળાઓમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો..ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા હતા..ભારે વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.સારા વરસાદથી આ વર્ષે પીવાના પાણીની સમસ્યા હલ થશે તેવી લોકોને આશા બંધાઇ છે. મોરબી ટંકારામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા.ગાજવીજ સાથે આવેલા વરસાદથી જાણે મોરબી અને ટંકારામાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ હતી.ભારે વરસાદ સાથે આવેલા વરસાદના કારણે કપાસ અને તલના પાકને ભારે નુકસાન થશે તેવી ભીતિ સેવાઇ રહી છે.

નવરાત્રી બગડશે..! આગામી ૪ દિવસ ભારે વરસાદની આગાહી

આ વખતે મેઘરાજા પણ નવરાત્રીમાં તમારો સાથે આપશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૪ દિવસમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, હજુ ચોમાસું પૂર્ણ થવાના સંકેત નથી. રાજ્યભરમાં ૪ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે. તો અડધી નવરાત્રિ વરસાદમાં ધોવાઈ જશે તેવી પણ આગાહી છે. ૧ ઓક્ટોબર સુધી નવરાત્રિમાં વરસાદ રહેશે. તો ૩ ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.

રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદને
લીધે ૧ર જેટલા રસ્તા બંધ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે વર્તમાન સ્થિતિએ કુલ ૧૨ રોડ-રસ્તા બંધ હાલતમાં છે. ગઈકાલે આઠ રોડ-રસ્તા બંધ હતા જે પૈકી માત્ર એક રસ્તો શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે બંધ થયેલા વધારાના પાંચ રસ્તા પાણી ઓસરતા શરૂ કરી દેવામાં આવશે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જાણવા મળતી માહિતી મુજબ સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યમાં વર્તમાન સ્થિતિએ કુલ ૧૨ રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે વરસાદની માહિતી જોઈએ તો સમગ્ર રાજ્યમાં કુલ સરેરાશ ૧૨૯ ટકા વરસાદ ખાબક્યો છે. આ વર્ષે સૌથી ઓછો વરસાદ બનાસકાંઠામાં ૯૧% પડ્યો છે. સૌથી વધુ વરસાદ રાજ્યના બે જિલ્લાઓમાં પડ્યો છે, જેમાં છોટાઉદેપુર અને ભરૂચનો સમાવેશ થાય છે.

ભારે વરસાદને લીધે લીલા દુષ્કાળનો ડર

રાજ્યભરના કેટલાક વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ થયો હતો. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૨૦૪ તાલુકામાં વરસાદ થયો હતો. જ્યારે કોટડાસાંગાણી, ઉમરપાડામાં ૪-૪ ઈંચ વરસાદ, વાલોડ, મહુવા, લખતર, તાલાળા, મહેમદાવાદમાં ૩ ઈંચ વરસાદ અને માંડવી, લોધીકા, વઢવાણ અને હળવદમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો. ઉપરાંત અમેરેલી, ખાંભામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રિપોર્ટ મુજબ શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યભરમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. પરંતુ વરસાદના કારણે રાજ્યમાં પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. અનિશ્ચિત વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કારણ કે આ પહેલા જ્યારે પુરતો વરસાદ થયો હતો ત્યારે ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ હવે જરૂરિયાતથી વધારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં ‘લીલા દુષ્કાળ’ની ભીતી સર્જાઈ છે.

ગુજરાતના ર૦૪ જળાશયોમાં ૯૧.૩૬ ટકા જળસંગ્રહ

રાજ્યમાં થયેલા વરસાદને પરિણામે કુલ ૨૦૪ જળાશયોમાં ૯૧.૩૬ ટકા જેટલો જળ સંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૬૧.૫૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૮.૧૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૭.૬૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૫૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૭.૩૪ ટકા જેટલો જળ સંગ્રહ થયો છે.રાજ્યના ૧૦૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. ૬૧ જળાશયો ૭૦ ટકા થી ૧૦૦ ટકાની વચ્ચે, ૧૧ જળાશયો ૫૦ ટકા થી ૭૦ ટકાની વચ્ચે, ૧૩ જળાશયો ૨૫ ટકા થી ૫૦ ટકાની વચ્ચે જ્યારે ૧૭ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં ૨,૨૯,૮૯૫ કયુસેક પાણીની આવક સામે ૧,૭૧,૪૩૮ કયુસેક પાણીની જાવક, ઉકાઇ ડેમમાં ૧,૦૬,૬૩૧ કયુસેક પાણીની આવક સામે ૧,૨૩,૦૯૨ કયુસેક પાણીની જાવક, કડાણા ડેમમાં ૨૯,૦૯૪ કયુસેક પાણીની આવક સામે ૨૭,૮૯૪ કયુસેક પાણીની જાવક, વણાકબોરી ડેમમાં ૨૮,૬૩૦ કયુસેક પાણીની આવક સામે ૨૬,૦૮૦ કયુસેક પાણીની જાવક, પાનમ ડેમમાં ૧૩,૫૪૦ કયુસેક પાણીની આવક સામે ૧૪,૧૭૦ કયુસેક પાણીની જાવક છે.