(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૮
દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયેલા મેઘરાજા હવે મહેરને બદલે કહેર વરસાવી રહ્યા છે. રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જ્યાં સૈથી વધુ વરસાદની જરૂર છે ત્યાં વરસવાને બદલે એક જ વિસ્તારમાં ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેમ દક્ષિણ ગુજરાત પર જ વરસાવ્યે રાખતા લોકો હવે ખમ્મા કરો તેવી વિનવણી કરી રહ્યા છે જ્યારે અન્ય વિસ્તારના લોકો મેઘરાજા પધારો તેવી દુઆ કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં સતત મેઘમહેર ચાલુ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૦ જિલ્લાના ૬૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૯.પ ઈંચ જેટલો પડયો છે. ઉમરગામમાં આજ સુધીમાં ૪૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ હોવાના કારણે હવે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે. રવિવારે પડેલા અનરાધાર વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં નિચાળવાળા વિસ્તારમાં વરસાદના પાણી ઘુસી જતા લોકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૬૭ મીમી, કપરાડામાં ૧૧૧ મીમી, પારડીમાં ૭૭ મીમી, ઉમરગામમાં ૨૩૬ મીમી, વલસાડમાં ૫૫ મીમી અને વાપીમાં ૧૩૧ મીમી વરસાદ પડયો છે. નવસારીના ચિખલીમાં ૫૫ મીમી, ગણદેવીમાં ૩૧ મીમી, જલાલપોરમાં ૧૧ મીમી, ખેરગામમાં ૧૦૮ મીમી, વાસંદામાં ૨૬ મીમી, ડાંગ જિલ્લાના વઘઈમાં ૨૨ મીમી, સુબીરમાં ૧૪ મીમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત તાપીના વાલોદ અને દોલવાણમાં ૧-૧ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યમાં અન્ય વિસ્તારોમાં બહુ નોંધપાત્ર વરસાદ પડયો નથી. પૂર્વ મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ૨ ઈંચ, વડોદરાના ડભોઈમાં ૨ ઈંચ, ખેડાના વસોમાં સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ચુડા, ઘોઘા, શિહોર, બોટાદ અને બરવાળામાં માત્ર હળવા ઝાપટા પડયા હતા. સવારે અસહ્ય બફારો અને વાદળછાયુ વાતાવરણ રહે છે. દિવસભર મેઘરાજા હેત વરસાવવાનો ખોટો ડોળ કરે છે પરંતુ સંતોષકારક વરસાદ ન પડતો હોવાથી લોકો નિરાશ થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં હવે વર્ષાની વાટ જોવાઈ રહી છે.
ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ૩૬ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં હજી ભારે વરસાદની સંભાવના છે.
હાલમાં દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ૩.૧ કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયેલું છે જેના પરિણામે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.