(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
એક માસની લાંબી તપસ્યા બાદ મેઘરાજાએ પ્રજાની દુઆ અને પ્રાર્થના સાંભળી હોય તેમ અસંખ્ય જિલ્લા અને તાલુકામાં મહેર વરસાવતા મુરઝાતી મોલાતને જીવનદાન મળ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી રપમી સુધી સાર્વત્રિક વરસાદના એંધાણ છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર હાલ મેઘરાજાની આંખ સ્થિર થયેલી છે. ગીરપંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડામાં બપોર બાદ ધોધમાર ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. પરિણામે રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા આ ઉપરાંત મોરબીના ટંકારા અને મોરબીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, તલાલામાં ત્રણ ઈંચ, કોડીનારમાં અઢી ઈંચ તો અમરેલીના ધારીના રામવાલાની વાવડી ગામે એક કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા ર૪ કલાકની વાત કરીએ તો ૧૧૪ તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યનાં ઘણા ખરા જિલ્લાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં બરડા, બગવદર અને ભારવાડા સહિતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે વાવણી કર્યા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ગીર-સોમનાથ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના કોડીનાર, ગીર-ગઢડા, વેરાવળ અને ઉનામાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો વરસાદને પગલે ખેડૂતોના પાકને પણ નવું જીવનદાન મળ્યું છે. રાજ્યનાં ગીર સોમનાથમાં સોમનાથ જિલ્લામાં ઉના, ગીર ગઢડામાં ધોધમાર વરસાદ થયો હતો તો કોડીનારમાં છેલ્લાં ૧ કલાકમાં વીજળી સાથે વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ટંકારામાં વરસાદ નોંધાયો છે. ટંકારામાં ૨.૫ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વઢવાણમાં સવા ૨ ઇંચ અને જેતપુરમાં ૨ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગીર ગઢ઼ડા, પાટણ, ધ્રોલ, મહુધામાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સાણંદ અને સંજેલીમાં પોણા ૨ ઇંચ વરસાદ પડ્યો છે. તો બોડેલી, તલાલા, વાંસદા, માળિયા, વેરાવળમાં ૧.૫ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢમાં અને ભરૂચમાં સવા ઇંચ વરસાદ સાથે દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર, સાગબારા, ગુરૂડેશ્વર, ઉચ્છલ, સોનગઢ, વાલોવ, વ્યારા, પલસાણા, નવસારી, ખેરગામ, વાંસદા, ધરમપુર વગેરેમાં હળવાથી સવા ઈંચ વરસાદ નોંધાયો છે.