(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી શરૂ થયેલા વરસાદે ખેડૂતોની મહેનત પર રહેમ રૂપી પાણી વરસાવી ખુશખુશાલ કરી દીધા છે. છેલ્લા ર૪ કલાક દરમ્યાન રાજ્યના રર જિલ્લાના ૮ર તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના વાંસદામાં અને ડાંગના વઘઈમાં નવ ઈંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ર૪ કલાક દરમ્યાન ગુજરાત પંથકમાં ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં ભરૂચ ર૯ મી.મી., નર્મદા જિલ્લાના તાલુકાઓમાં નિઝર સાગબારા ૮૬ મી.મી., તો તાપી જિલ્લાના તાલુકાઓમાં નિઝર પ૯ મી.મી., સોનગઢ ૧૦૧ મી.મી., ઉચ્છલ ૬ર મી.મી., વાલોળ ૪૮ મી.મી. અને વ્યારા રર મી.મી. વરસાદ નોંધાયેલ છે.
જયારે સુરત જિલ્લાના તાલુકાઓમાં ચોર્યાસી રર મી.મી., કામરેજ ૬૬મી.મી., મહુવા ૭૩ મી.મી., પલસાણા પ૪ મી.મી., અને સુરત સીટી ર૭ મી.મી. તો ડાંગ જિલ્લાના તાલુકાઓમાંં આહવા ૯૧ મી.મી., સુબીર ૪૭ મી.મી. અને વઘઇ ૮પ મી.મી. વરસાદ નોંધાયેલ છે.
જયારે નવસારી જિલ્લાના તાલુકાઓમાં ચીખલી ૧૦૦ મીમી, જલાપોર ૮૬ મીમી, ખેરગામ ૮૦ મીમી, નવસારી ૭૪ મીમી અને વાંસદા ૧૮૦ મીમી, તો વલસાડ જિલ્લાના તાલુકાઓમાં ધરમપુર પ૩ મીમી, કપરાડા ૬૭ મીમી, પારડી પ૧ મીમી, ઉમરગામ ર૮ મીમી, વલસાડ ૩૯ મીમી અને વાપી ૪ર મીમી વરસાદ નોંધાયેલ છે.
ઉ.ગુજરાત વિસ્તારમાં જોઈએ તો પાટણ જિલ્લાના માત્ર હારીજમાં પ૧ મીમી, નોંધનીય તો વરસાદ નોંધાવેલ છે. કચ્છના ૧૦ તાલુકા પૈકી એક માત્ર અંજારમાં ૧પ મીમી વરસાદ નોંધાયેલ છે.
પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારને જોઇએ તો અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ર૯ મીમી, ખેડા જિલ્લાના ખેડા ૧૩ મીમી અને માતર ૧૦ મીમી, તો આણંદ જિલ્લાના આણંદ ૧૧ મીમી વરસાદ નોંધાયેલ છે. જયારે અન્યત્ર તાલુકાઓ કોરાધાકડ રહેવા પામ્યા છે.
દરમ્યાન ડાંગમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ થયો હતો. વરસાદને પગલે ખાપરી નદી નવા નીરની આવક થઈ હતી. મહીસાગરના લુણાવાડા અને સંતરામપુરમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને પગલે આજે અનેક જગ્યાઓ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. તાપી-જિલ્લામાં સવારે છ કલાકથી બપોરે બે કલાક સુધીમાં કુલ ૧૭૮ મીમી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ નિઝર તાલુકામાં ૮૭ મીમી વરસાદ વરસ્યો હતો. ઉકાઈ ડેમની સપાટી ર૭૮.૬૭ ફૂટ પર પહોંચી હતી. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામે અંબિકા નદીનું જળસ્તર વધ્યું છે. ઉપરવાસના ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા નદીમાં પાણીની મોટી માત્રા આવક થઈ છે. ડાંગ જિલ્લાની નદીનું પાણી પણ અંબિકા નદીમાં આવી રહ્યું છે. જેના કારણે અંબિકા નદી પર આવેલો મધર ઈન્ડિયા ડેમ ઉપરથી પાણી વહી રહ્યું છે. રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. શહેરના ૧પ૦ ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, મિલપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં યુવકો., બાળકો ન્હાવા માટે નિકળી પડ્યા હતા. ગોંડલમાં વરસાદી માહોલ છવાયો છે. ગોંડલમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા.

ગુજરાતીઓ આનંદો : આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદના એંધાણ

રાજયની પ્રજા માટે મેઘરાજાએ સાનુકૂળ વાતાવરણ ઉભુ કરતા હવામાન વિભાગે રાજયમાં આગામી ચાર-પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તા.ર૮ અને ર૯ જુલાઈના રોજ ગુજરાત ઉપર લો પ્રેશર સક્રિય રહેવાનું હોવાથી આ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરી છે ખાસ કરીને ઉતતર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી મહિસાગર જિલ્લામાં તેમજ અમદાવાદ, ગાંધીનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર મોરબી, જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે એટલે કે ૮ ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. ગુજરાત પર સક્રિય થયેલા લો પ્રેશરને લીધે કચ્છ સહિત સમગ્ર રાજયમાં સારા વરસાદના એંધાણ છે.