બનાસકાંઠાના વાવમાં આઠ કલાકમાં સવા નવ ઈંચ વરસાદ ખાબકતા ર૦૦ ઘરોમાં પાણી ઘૂસી જતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. જયારે વાવના માડકા અને મોરીખા જેવા કેટલાય ગામો બેટમાં ફેરવાયા જેવી સ્થિત સર્જાઈ હતી. માડકા ગામનું તળાવ ફાટયું હતું અને ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માડકા ગામના મુખ્ય જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ઘૂસી જતાં ગામ સંપર્કવિહોણું બની ગયું હતું. આ ઉપરાંત વાવડી ગામમાં ભારે વરસાદને કારણે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હતું. કાચા મકાનોની દીવાલો તૂટી પડતાં ભારે નુકસાન થયું હતું. ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. વાવનું વાઢિયા વાસ ગામ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વાવ પંથકમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં રસ્તાઓ તૂટી ગયા હતા. (તસવીરો : જમીલ મેમણ, ડીસા)
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૯
રાજ્યમાં મેઘરાજાએ વરસવાની પધ્ધતિ બદલી હોય તેમ સાર્વત્રિક વરસવાને બદલે ઝોન મુજબ વરસવાનું શરૂ કર્યું છે. અગાઉ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં વરસ્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો લીધો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૬૮ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં સવા નવ ઈંચ જેટલો વરસાદ તૂટી પડતાં માડકા ગામનું તળાવ ફાટતા ર૦૦થી વધુ ઘરમાં પાણી ઘૂસી જતા લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
વાવ તાલુકામાં ૯.૫ ઈંચ વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના વાવડી ગામની શાળામાં પાણી ભરાયા હતા. મોરિખા ગામે ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જેને પગલે અસરગ્રસ્ત પરિવારોએ શાળા અને ઊંચાણવાળા વિસ્તારોમાં આશરો લેવો પડ્યો હતો. ત્યારે વાવ પંથકના ગામડાઓમાં સ્થિતિને ધ્યાને રાખીને એનડીઆરએફની ટીમ ખડેપગે છે. જ્યારે ડીસા-થરાદ હાઈવે પર એક વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બ્લોક થયો હતો. પરંતુ સ્થાનિકોએ વૃક્ષ હટાવવાની કામગીરી કરીને માર્ગ ખુલ્લો કર્યો હતો. વાવના માડકા ગામનું તળાવ તૂટતા ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા. ત્યારે લોકોના આરોપ મુજબ અધિકારીઓએ કહ્યું હતું કે, નીચાણવાળા વિસ્તારમાં રહો છો તો પાણી આવે થોડીક તકલીફ લો. સવારે ૬ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો છે. પાટણના રાધનપુરમાં ૩૯ મીમી, બનાસકાંઠાના સુઈગામ ૨૩ મીમી, પાટણના સમીમાં ૨૨ મીમી, બનાસકાંઠાના ભાભરમાં ૨૦ મીમી, પાટણના સાંતલપુરમાં ૧૮ મીમી, પાટણના સરસ્વતીમાં ૧૫ મીમી, બનાસકાંઠાના વાવમાં ૧૪ મીમી, પાટણ અને શંખેશ્વરમાં ૧૪ મીમી, બનાસકાંઠાના કાંકરેજમાં ૧૦ મીમી, પાટણના હારીજ અને સિધ્ધપુરમાં ૧૦ મીમી, બનાસકાંઠાના દીયોદરમાં ૯ મીમી, મહેસાણામાં ૭ મીમી, બનાસકાંઠાના થરાદ ૫ મીમી, પાટણના ચાણસ્મામાં ૫ મીમી અને સાબરકાંઠાના ઈડરમાં ૩ મીમી, બનાસકાંઠાના ધાનેરા, લાખણી અને પાલનપુરમાં ૩-૩ મીમી વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહેસાણાના જોટાણા અને બનાસકાંઠાના વડગામમાં ૨ મીમી વરસાદ પડ્યો હતો. જયારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સવારે ૬થી ૨ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં ૪.૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લામાં મધુબન ડેમની સપાટીમાં વધારો થતા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. અને નીચાળવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૬૦ મિમિ, પારડીમાં ૭૪ મિમિ, વલસાડમાં ૪૨ મિમિ અને વાપીમાં ૩૬ મિમિ વરસાદ નોંધાયો છે. અને ડાંગ જિલ્લાના આહવામાં ૩૯ મિમિ, સુબીરમાં ૫ મિમિ, વઘઈમાં ૩૫ મિમિ અને સાપુતારામાં ૭૯ મિમિ વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઔરંગા, પાર, દમણગંગા અને કોલક નદીઓ બે કાંઠે વહી રહી છે. અને કપરાડા અને પારડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. અને લોકોને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.
ઘનઘોર ઘટા વચ્ચે સોમવારે સવારથી જ વરસાદે સૌરાષ્ટ્રમાં વ્હાલ વરસાવવાનું શરૂ કર્યું હતું. રાજકોટ શહેરમાં બપોર સુધીમાં તો દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
બપોર પહેલાં ધોધમાર પછી ધીમીધારે વરસાદ વરસતાં રાજકોટના વિવિધ વિસ્તારોના રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા.
રાજકોટ શહેરમાં દોઢ ઇંચ, રાજકોટ ગ્રામ્યમાં એક ઇંચ, પડધરીમાં એક ઇંચ, વીંછિયા અડધો ઇંચ, જસદણમાં ૩ એમએમ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા. જ્યારે ભેંસાણ, વંથલી, માણાવદર, વિસાવદર, પડધરી, ચોટીલા, જામનગર, તાલાલા અને ખંભાળીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
છેલ્લે મળતી માહિતી મુજબ રાજ્યમાં સવારથી અત્યાર સુધી ૧૮૮ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં વલસાડના કપરાડામાં પ ઈંચ, ઉમરપાડામાં પોણા ચાર ઈંચ, અંકલેશ્વરમાં સાડા ત્રણ ઈંચ, ધરમપુરમાં સવા ત્રણ ઈંચ, નેત્રંગમાં, બાવળા અને માંગરોળમાં ૩-૩ ઈંચ, પારડીમાં ર.૯ ઈંચ, ચોટીલામાં ર.૪ ઈંચ, ધોળકામાં ર.૩ ઈંચ, ખેરગામમાં, વધઈ અને રાજકોમાં ર-ર ઈંચ, રાધનપુરમાં ૧.૯ ઈંચ, વલસાડમાં ૧.૮ ઈંચ, આહવામાં ૧.૭ ઈંચ, ધ્રોલમાં ૧.૬ ઈંચ, વાપીમાં ૧.પ, દસક્રોઈમાં ૧.૪ ઈંચ, સુઈગામમાં ૧.૪ ઈંચ અને પડઘરીમાં ૧.૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના ૫૧માંથી ૨૧ તાલુકા અછતગ્રસ્ત મુક્ત જાહેર કરાયા
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઇને ગત વર્ષે જાહેર કરવામાં આવેલા અછતગ્રસ્ત વિસ્તારો હવે અછતગ્રસ્ત મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં બનાસકાંઠા,પાટણના ચાર તાલુકા, ભાવનગર , સુરેન્દ્રનગર ના બે તાલુકા સહિત ૨૧ તાલુકાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે અછતગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં ૧૨૫ મીમી એટલે કે પાંચ ઇંચથી વધુ વરસાદ પડે તે વિસ્તાર આપોઆપ અછતગ્રસ્ત વિસ્તારોમાંથી મુક્ત કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે હવે ૫૧ તાલુકામાંથી ૨૧ તાલુકાઓને અછતગ્રસ્ત મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્યમાં જરૂર કરતાં ઓછો વરસાદ પડ્યો હતો, જેમાં કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ હતી, જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે ૫૧ તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. આ વિસ્તારોમાં ઘાસચારો તથા પાણીની વ્યસ્થા પૂરી પાડવા માટે બજેટમાં વધારાના પેકેજની જાહેરાત કરી હતી.
Recent Comments