(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દક્ષિણ ગુજરાત માટે આફતરૂપ બની રહી છે. છેલ્લા ર૪ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ દે માર વરસવાનું શરૂ કરતા ૧થી ૯ ઈંચ સુધી તૂટી પડ્યો હતો. ખાસ કરીને વલસાડ, સુરત, ડાંગ જિલ્લા અને સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી સૌ તરફ જળબંબાકર થઈ ગયું હતું. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરોમાં કેદ થઈ ગયા હતા. નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તો ડેમોમાં નવા નીરની આવક થઈ હતી.
ગતરાતના આજે બપોર સુધી રાજ્યના ર૩૧ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જેમાં સુરત, વલસાડ, ડાંગ, જામનગર અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ર૮૮ મીમી એટલે ૧૧.પ ઈંચથી વધુ કપરાડામાં રપ૮ મીમી એટલે ૧૦ ઈંચથી વધુ સુરતના માંગરોળમાં ૧૦ ઈંચ જેટલો, જામનગરના ધ્રોલમાં ૯ ઈંચ જેટલો, ખંભાળિયામાં ૬ ઈંચ જેટલો, જોડિયામાં ૭ ઈંચથી વધુ તથા રાજકોટમાં ૮ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગના વઘઈમાં પણ ૮ ઈંચથી વધુ વરસાદ પડ્યાના અહેવાલ છે. જ્યારે પારડીમાં ૬ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
રાજ્યના કુલ ૧ર તાલુકાઓમાં ૪ ઈંચથી ૬ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ છેલ્લા ર૪ કલાક દરમિયાન પડ્યો હતો. તેમાં બાવળા, ચુડા, પડધરી, ધ્રોલ, ખંભાળિયા, ઉમરાળા, રાણપુર, ઉમરપાડા, મહુવા (સુરત) ખેરગામ, વલસાડ અને આહ્‌વાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના ૩૪ તાલુકાઓમાં ર ઈંચથી ૪ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં અબડાસા, માંડવી (કચ્છ), ધંધુકા, ધોળકા, પેટલાદ, ચોટીલા, કોટડાસંગાણી, લોધીકા, જામનગર, જોડિયા, વિસાવદર, બોટાદ, બરવાળા, અંકલેશ્વર, નેત્રાંગ, વાલિયા, ડેડિયાપાડા, ગરુડેશ્વર, નાંદોદ, તિલકવાડા, સોનગઢ, વાલોદ, વ્યારા, દોલવણ, ચોર્યાસી, સુરત શહેર, ચિખલી, જલાલપોર, નવસારી, વાંસદા, વાપી અને સુબીર સહિતના તાલુકાઓમાં ર ઈંચથી વધુ અને ૪ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આજે સવારે ૬થી બપોરના ૧ર કલાક દરમિયાન ધ્રોલ તાલુકામાં ૮૯ મી.મી. જોડિયામાં ૮પ મી.મી અને ખંભાળિયામાં ૭૩ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં ૩ ઈંચ, જામનગરમાં ૭૦ મી.મી., કપરાડામાં ૬૭ મી.મી. માંગરોળમાં પર મી.મી. મળી કુલ ત્રણ તાલુકામાં ર ઈંચથી વધુ જ્યારે અન્ય પ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં વરસાદને લીધે કુલ પ૬ વ્યક્તિ અને ર૯૩ પશુઓનાં મોત

રાજ્યમાં આ વર્ષની વરસાદી મોસમમાં આજ સુધી ૨૯૩ પશુઓનાં મૃત્યું નીપજ્યાં છે જ્યારે કુલ ૫૬ માનવોના મૃત્યું નીપજ્યાં છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી વીજળી પડવાથી ૨૭ લોકોનાં મોત નીપજ્યાં છે. ૬ લોકોનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. ઝાડ પડવાથી ૪ લોકોનાં જ્યારે મકાન પડી જવાથી ૫ મૃત્યુ નીપજ્યાં છે. અન્ય કારણસર ૧૪ લોકોનાં મોત નીપજ્યાં છે. એટલે કુલ માનવ મૃત્યુનો આંક ૫૬ પહોંચી ગયો છે. જ્યારે આજ સુધી ૨૯૩ પશુઓના મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ ૩૦૯.૦૧ મિલીમીટર વરસાદ પડ્યો છે. જે મોસમનો ૩૭.૮૭ ટકા વરસાદ થયો છે. રાજ્યની ડેમોની સ્થિતિ જોઇએ તો ૭૦%થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયેલા ડેમોની સંખ્યા ૫ છે. ૫૦ ટકાથી ૭૦ ટકા વચ્ચે ભરાયેલા ૬ ડેમ છે. ૨૫ ટકાથી ૫૦ ટકા વચ્ચે ભરાયેલા ૨૭ ડેમ છે જ્યારે ૨૫ ટકાથી નીચે ભરાયેલા ૧૬૫ ડેમ છે. રાજ્યમાં વરસાદને પગલે ૯ તાલુકાના ૫૯ ગામો વીજળી વિહોણા બન્યા છે. સૌથી વધુ દ્વારકા ખાતે લાલપુરના ૧૩ ગામો વીજળી વિહોણા બન્યા છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને લીધે આજી-ર ડેમ ઓવરફ્લો થયો

રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજી-૨ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. પડધરી ખાતે આવેલો ડોડી ડેમ પણ વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. સોમવારે સવારથી વરસાદનો પ્રારંભ થતા સૌરાષ્ટ્રના ૭૭ ડેમો પૈકી હાલ તો ફકત ૫ ડેમોમાં નીર આવતા ડેમ સપાટીમાં વૃદ્ધિ થઈ છે. પાણીની સતત આવક થતા આજી-૨ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ પાંભર ઈટાળા ગામ ખાતે આવેલો ડોડી જળસંપત્તિ સિંચાઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. એક જ રાતમાં આ ડેમ ઓવરફ્લો થઈ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. ખાસ નોંધનીય એ છે કે આજ સુધી ટંકારા નજીકનો ડેમી ડેમ સાવ કોરો ધાકોર હતો એમાં ઉપરવાસ અને ટંકારા પંથકમાં વરસાદના કારણે એક જ દિવસમાં સાડા દસ ફૂટ પાણી આવતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. આ ઉપરાંત મચ્છુ ડેમમાં ચાર ફુટ નવા નીર આવ્યા છે. આજી ર ડેમમાં પોણા ત્રણ ફૂટ, પડધરી પાસે આવેલા આજી-૩માં ચાર ફુટ, ન્યારી-૨ ડેમમાં ૧ ફુટ નવું પાણી આવ્યું છે. જેના કારણે ડેમની સપાટીમાં આંશિક વધારો થયો છે. હજુ સાર્વત્રિક સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.

સુરતમાં રાંદેર-કતારગામને જોડતો કોઝ-વે સતત ત્રીજા દિવસે બંધ

દક્ષિણ ગુજરાત, ઉત્તરગુજરાત અન સૌરાષ્ટ્રમાં હાલ મેઘાની ધોધમાર ઈનિંગ ચાલુ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંઘા જેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને સુરત સિટી અને સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે રાંદેર-કતારગામને જોડતા કોઝ-વેને બંધ રાખવામાં આવ્યો છે. હાલ કોઝ વે ૬ મીટરની ભયજનક સપાટી વટાવી ૬.૪૧ મીટરથી વહી રહ્યો છે. જેના કારણે કોઝ-વે ખાતે અદભૂત નજારો સર્જાયો છે. અને લોકો કોઝ વેનો નજારો જોવા ઉમટી પડ્યા છે. ત્રણ દિવસથી સુરત સિટી અને સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદના પગલે ત્રણ દિવસ પહેલાં કોઝ-વેએ ૬ મીટરની ભયજનક સપાટી વટાવતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ કોઝ વેની સપાટી ૬.૪૧ મીટર છે. જેને પગલે કોઝ-વે ખાતે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં હજી પાંચ દિ’ ભારેથી અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતના જુદા જુદા ભાગોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી રાખવામાં આવી છે. બનાસકાંઠા અને વલસાડમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાઓએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરુચ, નર્મદામાં પણ ભારેથી અતિભારે વરસાદ ઘણા સ્થળો ઉપર થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં પણ ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો જેમ કે દ્વારકા, જામનગર અને કચ્છમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, મોરબી, રાજકોટ, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પાટણ, નવસારીમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. તંત્ર દ્વારા ભારે વરસાદની ચેતવણીના પગલા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે.