અમદાવાદ, તા.ર
રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી વચ્ચે અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી રહ્યો છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૮૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના મરોલીમાં ૨ ઈંચ વરસાદ અને ગીર સોમનાથના ગીર ગઢડામા ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડના પારડીમાં, વાપીમાં નવસારીના ચીખલીમા ૧ ઈંચ, અમરેલીના લાઠી-વાડીયામાં પણ ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ કપરાડામા ૪ ઈંચ, જ્યારે કે વલસાડના પારડીમાં ૩.૫ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં હાલ સર્વત્ર મેઘમહેર છે. ગોંડલના અરજણસુખ, સજાડયાળી, માંડલકુંડલા, વિજીવડ સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. ગોંડલ પંથકમાં ૪ ઈંચથી વધુ પડેલ ભારે વરસાદ પગલે વસાવડી નદી ગાંડીતૂર બની છે. કેસવાળાના કોઝવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને પગલે ગોંડલ અમરેલી, બગસરા, દેરડીનો માર્ગ બંધ કરાયો છે. રાજકોટના ગોંડલ પંથકમાં સવારથી ધોધમાર ૫ ઈંચ વરસાદ વરસ્યો છે. ભાદર પટાના ગ્રામ્ય નવાગામ, લીલાખા વિસ્તારમાં ૫ ઈંચ વરસાદ વરસી પડ્યો છે. શીવરાજગઢ, બંધિયા, કેસવાળા, શ્રીનાથગઢ, દેરડી (કુંભાજી) વસાવડ સહિતના અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. આજી-૨નાં ૫ દરવાજા ખોલાયા. ગીરગઢડાની શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉના ગીરગઢડામાં અવિરત મેઘમહેર થઈ રહ્યો છે. ઉના શહેરના લુહારચોક, ગની માર્કેટ, ૮૦ ફૂટ રોડ પર પાણી ભરાયા છે. ઉનામાં ૫ ઇંચ આસપાસનો વરસાદ વરસી પડ્યો છે. રાજકોટમાં કલાકોના ગાળામાં ૮ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદનાં કારણે ગરનાળા પણ બંધ થઈ ગયા છે. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ આજી-૨ ડેમમાં પૂર આવતા ૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. વરસાદના પગલે વધુ પાણીની આવક થતાં સિંચાઈ વિભાગે દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતવાસીઓ સાધવાન : પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા.૨
હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી આગામી ૫ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાસદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. તેમજ ૧૫ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે.