Ahmedabad

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ‘ઓખી’ વાવાઝોડું ત્રાટકવાનો ભય

અમદાવાદ, તા.૪
તમિળનાડુ અને કેરળમાં ભારે નુકસાન કર્યા બાદ ઓખી વાવાઝોડુ હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે પાંચમી ડિસેમ્બરની મધ્ય રાત્રિએ ઓખી વાવાઝોડુ દરિયાકાંઠાને સ્પર્શે તેવી તંત્ર દ્વારા આગાહી કરાઈ છે. રાજ્ય સરકારનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સાબદુ થઇ ગયું છે. કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની અને કોઇ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના અપાઈ છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ પાસે ઉદ્દભવેલુ સુરત પાસેના દરિયા કાંઠેથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૮૭૦ કિલોમીટર દૂર રહેલુ ઓખી નામનું વાવાઝોડુ આવતીકાલે પાંચમી ડિસેમ્બરને મંગળવાર મધ્યરાત્રીએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને સ્પર્શશે એવી હવામાન વિભાગની આગાહીના પગલે રાજય સરકારનું વહીવટી તંત્ર છેલ્લા ૨૪ કલાકથી એલર્ટ થઈ ગયું છે.આવતીકાલે ગુજરાતના દરીયાકાંઠાને સ્પર્શનારા આ વાવાઝોડાના પગલે દરિયાકિનારાના વિસ્તારોમા આવેલા બંદરો ઉપર ૨ નંબરનુ સિગ્નલ દર્શાવવામા આવ્યુ છે.આ સાથે જ આ વાવાઝોડાની અસર આગામી ત્રણ દિવસ સુધી રહેનારી હોઈ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામા આવી છે.તંત્ર દ્વારા વાવાઝોડાની અસરના પગલે કયાંક ભારે વરસાદ તો કયાંક ડીપ ડીપ્રેશનની પણ સંભાવના વ્યકત કરવામા આવી છે.રાજય સરકારના તંત્ર દ્વારા નાગરિકોને ભયભીત ન થવા કે ચિંતા ન કરવાની સાથે સજાગ રહેવાનો અનુરોધ કરવામા આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,સુરતના દરિયાકાંઠાથી ૮૭૦ કિલોમીટર દૂર રહેલુ ઓખી નામનુ વાવાઝોડુ આવતીકાલે ૫ ડિસેમ્બરને મધ્યરાત્રીએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ઉપર પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને છેલ્લા ૨૪ કલાકથી રાજય સરકારનુ તંત્ર એલર્ટ બની ગયુ છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમા ઉભી થનારી સંભવિત પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજયના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહની અધ્યક્ષતામાં આજે બપોરે રાજય સરકારના વરિષ્ઠ અધિકારીઓની એક તાકીદની બેઠક બોલાવવામા આવી હતી.જેમાં તંત્રને જરૂરી તમામ આગોતરા પગલાં લેવા અને અન્ય કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાકીદ કરવામા આવી હતી.દરિયાકાંઠાના જિલ્લાઓના વહીવટીતંત્રને ૨૪ કલાકના કંટ્રોલરૂમ શરૂ કરવા અને ખડેપગે રહેવાના આદેશો આપી દેવામા આવ્યા છે.હવામાન વિભાગના અનુમાન અનુસાર,ઓખી જયારે ગુજરાતના દરિયાકાંઠાનો સ્પર્શ કરશે ત્યારે તેની તીવ્રતા ઘણી ઓછી થઈ ગઈ હશે પરંતુ ડીપ ડીપ્રેશનની સ્થિતિ સર્જાશે.તે વખતે પવનની ગતિ ૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની રહેવાની સંભાવના છે.રાજય સરકારના મહેસુલ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારે નાગરિકોને ભયભીત નહીં થવા અને ચિંતા ન કરવા પરંતુ સજાગ રહેવા અનુરોધ કર્યો છે.હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર ઓખી વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને સ્પર્શે એવું અનુમાન છે.દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી,ડાંગ,ભરૂચ,અને તાપી તથા સૌરાષ્ટ્રના અમરેલી,ગીર સોમનાથ, ભાવનગર,ઉપરાંત દીવ અને દમણ તથા દાદરાનગર હવેલી વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.આ તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્રને ખડેપગે રહેવાની સુચના આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં તમામ તાલુકા મથકોએ પણ ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત રાખવાની તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયામાં ગયેલા માછીમારોને પરત લાવવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.આ સાથે જ ફીશ વિભાગ અને પોર્ટ વિભાગના અધિકારીઓને હેડ કવાર્ટર ઉપર રહેવાની સુચના આપવામાં આવી છે.ભારે પવન અને વરસાદને કારણે ઉભી થનારી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકારનું વહીવટીતંત્ર સુસજ્જ છે.
‘ઓખી’ વાવાઝોડાની શક્યતાને લઈ દહેજ-ઘોઘા રોરો ફેરી સર્વિસ બંધ
આવતીકાલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને સ્પર્શનારા ઓખી વાવાઝોડાને લઈને ઉભી થનારી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકાર દ્વારા એનડીઆરએફની બે ટુકડીઓ સુરત અને નવસારી રવાના કરી દેવામાં આવી છે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી વળવા માટે રાજકોટથી એનડીઆરએફની બે ટીમો મોકલી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં NDRFની ટુકડી તૈનાત

જ્ઞ્ ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે વાવાઝોડુ નબળુ પડશે
જ્ઞ્ ડીપ ડીપ્રેશનની પરિસ્થિતિ સર્જાશે. ૬૦થી ૭૦ કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની શક્યતા.
જ્ઞ્ દરિયામા એકથી લઈને ત્રણ ફૂટ સુધી મોજા ઉછળશે
જ્ઞ્ માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સુચના
જ્ઞ્ વિવિધ બંદરો ઉપર ૨ નંબરનુ સિગ્નલ લગાવાયું
જ્ઞ્ દરિયામા માછીમારી કરવા ગયેલી અંદાજિત ૬૦૦ જેટલી બોટોને પરત લાવવાની કામગીરી.
જ્ઞ્ તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી
જ્ઞ્ તમામ જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને જરૂર પડે તો રાહત અને બચાવ કામગીરી માટે તમામ સાધનો સાથે સુસજ્જ રહેવા તાકીદ.
જ્ઞ્ રાજયના મોટાભાગના વિસ્તારોમા વરસાદી વાતાવરણ છવાયું
જ્ઞ્ વરસાદ અને ડીપ ડીપ્રેશનની પરિસ્થિતિ ૮ ડિસેમ્બર સુધી રહેવાની સંભાવના.
જ્ઞ્ દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ ૬ ડીસેમ્બર સુધી બંધ કરવામાં આવી
જ્ઞ્ લક્ષદ્રીપ ,કેરળ અને તમિલનાડુમા વેરેલા વિનાશની અસર ગુજરાતમાં જેમ બને એમ ઓછી થાય એ માટે તમામ પગલા લેવા તંત્રની કવાયત યુધ્ધના ધોરણે શરૂ