(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૧
અરબી સમુદ્રમાં બે દિવસ અગાઉ સર્જાર્યેલું સાગર વાવાઝોડું યમન તરફ ફંટાયા બાર સોમાલિયાના દરિયા કિનારે હજી તો પહોંચ્યું નથી. ત્યાં અરબી સમુદ્રમાં વધુ એક હવાનું દબાણ આકાર લઈ રહ્યું હોવાથી જો આ દબાણ ગુજરાત તરફ ફંટાય તો ૮પ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સુચના જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્ય અરબી સમુદ્રમાં સોમવારે હવાનું બીજુ લો પ્રેશર આકાર લેવાની તૈયારીમાં છે. જો કે આ લો પ્રેશર મજબૂત બની કઈ દિશા તરફ આગળ વધશે તેના પર હવામાન વિભાગ બાજ નજર રાખી રહ્યું છે. આ પ્રેશર જો ગુજરાત તરફ ફંટાય તો સૌરાષ્ટ્ર-કચ્છ કે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ૮પ કિ.મી.ની ઝડપે પવન કે વાવાઝોડું ફુંકાવાની શક્યતા છે. જો કે હાલ આ તમામ શક્યતાઓ માત્ર અનુમાન ઉપર જ આધારીત છે. લો પ્રેશર કઈ દીશા તરફ ફંટાય છે તેના પર બધો આધાર છે. તેમ છતાં ગુજરાત તરફ ફંટાવાની શક્યતા ધ્યાને રાખી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજી બે દિવસ પહેલાં જ અરબી સમુદ્રમાં ‘સાગર’ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું હતું. જે ગુજરાત તરફ વળવાની શક્યતા હોવાથી તમામ બંદરોને એલર્ટ કરી દેવાયા હતા અને માછીમારોને પણ સુચના આપી દેવાઈ હતી. પરંતુ સદ્‌નસીબે આ સાગર વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયા બાદ સોમાલિયાના દરિયા કિનારે પહોંચી ગયું છે. પરંતુ તેની અસર રૂપે બીજું લો પ્રેશર સર્જાતા ૬પથી ૮પ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે.