અમદાવાદ, તા.૭
ભાજપ પ્રેરિત રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. આ જ ઉલેમા કાઉન્સિલે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમોને ગુમરાહ કરી મુસ્લિમ મતોનું વિભાજન કરાવી ભાજપની જીત માટે સિંહ ફાળો આપ્યો હતો ત્યારે ધાર્મિક ઉલેમાઓએ મુસ્લિમ સમાજમાં ભાગલા પડાવવાને બદલે રાજકારણમાં ધર્મનું ભેળસેળ કરવાથી દૂર રહેવું જોઈએ. એમ જણાવી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે, ગુજરાતનો મુસ્લિમ સમાજ જાગૃત છે. રાજકીય રીતે સ્વતંત્ર નિર્ણય લેવામાં સક્ષમ અને પરિપકવ છે. તેને કહેવાતા મૌલવીઓના ફતવાની કે સલાહ સૂચનની જરૂર નથી. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ધાર્મિક ઉલેમાઓ મુસ્લિમ સમાજને ઈસ્લામ ધર્મમાં બતાવેલા સત્યના માર્ગ ઉપર ચાલવાનું શિક્ષણ આપે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે. એક ઉત્કૃષ્ટ ભારતીય નાગરિક બની સામાજિક તેમજ કોમી એકતાનું સિંચન થાય અને લોકોને ધર્મનું સાચું જ્ઞાન મળે તેવા પ્રયત્નો કરવાની તેમની જવાબદારી છે અને રાજકારણમાં ઝંપલાવીને રાજકારણમાં ધર્મનું ભેળસેળ કરવાથી દૂર રહેવું જોઈએ. રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ હેઠળ મૌલાના આમીર રસાદી મદનીની આગેવાનીમાં પ૦ જેટલા મૌલાનાની ટીમને ફાઈવ સ્ટાર હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. ભાજપ પ્રેરિત રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યા છે અને મુસ્લિમ મતદારોની વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજને ધર્મના નામે ગુમરાહ કરવાનું કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ ભાજપના રાષ્ટ્રીય નેતા મુખ્તાર અબ્બાસ નકવીના સીધા દોરીસંચાર હેઠળ કામ કરી રહી છે જેની એક ટીમ મુસ્લિમ વિસ્તારોમાં કોંગ્રેસ વિરૂદ્ધ અપપ્રચાર કરી રહી છે અને બીજી ટીમ મુસ્લિમ મતદારોની સંખ્યા ધરાવતી સીટો ઉપર મુસ્લિમ સમાજના કેટલાક પૈસા લાલચુઓને હાથા બનાવી ચૂંટણીઓમાં મુસ્લિમ મતોમાં વિભાજન કરાવવાના પેંતરા રચી રહી છે તેમજ અપક્ષ, જનવિકલ્પ અને આમ આદમી પાર્ટી જેવા નાના પ્રાદેશિક પક્ષોમાંથી મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખવા પ્રયત્નો કરી રહેલ છે. રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ ભાજપના ઈશારે મુસ્લિમ મતોના વિભાજન કરાવવા દિવસ રાત મહેનત કરી રહી છે. આમ હવે ભાજપ મુસ્લિમ સમાજના કહેવાતા ધર્મગુરૂઓના શરણે ગઈ છે.
ગુજરાતનો મુસ્લિમ સમાજ જાગૃત, તેને કહેવાતા મૌલવીઓના ફતવાની જરૂર નથી

Recent Comments