ગાંધીનગર, તા.ર૭
ગુજરાત દિપોત્સવી અંક વિક્રમ સંવત ર૦૭૩નું વિમોચન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઉત્સવો અને પર્વો વૈવિધ્યસભર જીવનના નવઉન્મેષ છે. પ્રકાશનું એક નાનકડું કિરણ ઘોર અંધકારને ભેદવા માટે પૂરતું છે. પ્રત્યેક તહેવારનું આગવું સૌંદર્ય હોય છે. તહેવારો સંદેશો આપતા હોય છે કે, જીવન ખૂબ સુંદર અને અણમોલ ઐશ્વરીય ભેટ છે. દિપાવલીનો પર્વ એ જ્ઞાન અને પ્રકાશ સાથે વિકાસનો સમન્વય સાધી આનંદની ત્રિવેણીનો અવસર છે. સૌ ગુજરાતીઓનો પ્રેમ અને આશિર્વાદએ ગુજરાતની પ્રગતિનું ચાલક બળ છે એમ તેમણે તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ગુજરાત દિપોત્સવી અંક વિમોચન પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અશ્વિનીકુમાર માહિતી નિયામક નલિન ઉપાધ્યાય, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, સંયુકત માહિતી નિયામક પુલક ત્રિવેદી તેમજ માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાતને કલ્યાણ રાજ્ય બનાવી નવી ઊંચાઈએ લઈ જવા સંકલ્પબદ્ધ બનવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષની આગવી પરંપરા અનુસાર સાહિત્ય કલા, ઈતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ગુજરાત દિપોત્સવીના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે. ગુજરાત દિપોત્સવી ર૦૭૩માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતાજનક વિચારો વ્યક્ત કરતાં અભ્યાસ લેખો, નવલિકાઓ, વિનોદિકાઓ, કાવ્યો, નાટકો, ચિત્રો અને તસવીરોનો રસથાળ પીરસવામાં આવ્યો છે.