Ahmedabad

‘ગુજરાતને કેન્દ્રનો અન્યાય’ નામે બૂમો પાડનાર ભાજપના સાંસદો હવે અન્યાય સામે ચૂપ કેમ !

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
રેલવેની સુવિધા અને વિવિધ પ્રજાકીય પ્રશ્નો ભાવવધારા તથા રેલવે સુરક્ષાના મુદ્દે અગાઉ ‘ગુજરાતને કેન્દ્રનો અન્યાય’ના નામે બૂમો પાડનાર ભાજપના સાંસદો ચૂંટાયા બાદ પ્રજાના પ્રશ્નો અંગે ગંભીરતા દાખવતા નથી અને રેલવે મંત્રાલયની મહત્ત્વની બેઠકમાં ગેરહાજર રહે છે. હાલમાં જ અમદાવાદ-વડોદરાના રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતના સાંસદો સાથેની બેઠકમાં ભાજપના સાંસદો ગેરહાજર રહેતા તેમના ‘ચાવવાના અને દેખાડવાના’’ જણાઈ આવ્યા હતા. રેલવેના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો, રેલવેની સુવિધાઓ, રેલવે દ્વારા થતાં ભાવવધારા અને રેલવે સુરક્ષા મુદ્દે યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસ શાસન સામે ‘ગુજરાતને અન્યાય’ના નામે બૂમરાણ મચાવતા ભાજપના આ ચૂંટાયેલ સાંસદો પ્રજાના પ્રશ્નો અંગે કેટલા ગંભીર છે તે જાહેર થયું છે. સત્તામાં આવતા જ ગુજરાત નાગરિકોને એકબાજુ હડસેલી દેનાર ભાજપના સાંસદો ગુજરાતના મતદાતાઓને જવાબ આપે તેવી માંગ કરતાં કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રેલવે પ્લેટફોર્મ ટિકિટ જે રૂા.ર/ની હતી, તે આજે રૂા.ર૦ની થઈ ગઈ છે. આમ, પ્લેટફોર્મ ટિકિટમાં ૧૦૦૦% જેટલા વધારા સામે ભાજપના સાંસદો કેમ ચૂપ છે ? ઉપરાંત રેલવે મુસાફર ભાડામાં રૂા.રપ-/થી રૂા.૧,ર૦૦/ જેટલી જંગી ભાવવધારા સામે, ગુજરાતને રેલવેની સુવિધા અને નવી-નવી યોજનાઓમાં અન્યાય સામે, ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડુ મથક મળવા અંગે કાયમ બૂમરાણ મચાવનાર, ગુજરાતના યુવાનોને રેલવેમાં નોકરીની તકો ઘટી ગઈ, રેલવેની ભરતીમાં ગેરરીતિ સામે, આમ અનેક મુદ્દાઓ અંગે ભાજપના સાંસદો ચૂપ કેમ છે ? તેનો જવાબ આપે. જે અગત્યની બેઠકમાં આ મુદ્દા ચર્ચાવાના હોય અને ગુજરાતને રેલવેની સુવિધાના લાભ મળવાના હોય તેવી બેઠકમાં ભાજપ સાંસદોની ગેરહાજરીથી પ્રજા પ્રત્યે તેમની ચૂંટાયા પછી કેટલી નિષ્ઠા છે તે ખુલ્લી પડી ગઈ છે.