(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્મા સાથે લાંબા સમયથી વિવાદમાં ઉતરેલા તપાસ એજન્સીના જ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે સીબીઆઇ કાર્યવાહી કરી શકે છે અને અસ્થાનાને પોતાના કેડર રાજ્ય ગુજરાત પરત મોકલવામાં આવે તેવી સંભાવના હોવાનું સીબીઆઇના એક અધિકારીએ જણાવ્યું છે. અસ્થાના સામે કાર્યવાહી કરવાની વિધિસરની દરખાસ્ત આલોક વર્મા દ્વારા મોકલવામાં આવવાની હતી પરંતુ કોઇક કારણસર આ દરખાસ્ત રજૂ કરાઇ નથી. સીબીઆઇના ડિરેક્ટર એક-બે દિવસમાં અસ્થાનાની હકાલપટ્ટીની ફાઇલ આગળ મોકલશે. સીબીઆઇના સ્પેશિયલ ડિરેક્ટરપદે અસ્થાનાનું ચાલુ રહેવાનું અયોગ્ય થઇ ગયું છે. અસ્થાનાને તેમના હોદ્દાએથી દૂર કરવાની દસ્તાવેજી કાર્યવાહી ચાલુ છે અને ટૂંક સમયમાં જ તેમને હોદ્દાએથી દૂર કરવામાં આવશે. નોંધનીય છે કે આલોક વર્માએ અસ્થાના સામે મુકાયેલા લાંચના આરોપો વિશે વાતચીત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રવિવારે મુલાકાત કરી હતી. અસ્થાના સામે મીટના વેપારી મોઇન કુરેશી સામેના મની લોન્ડરિંગના મામલાની પતાવટ માટે લાંચ લેવા અને ભ્રષ્ટાચારના પણ આરોપો છે. સીબીઆઇએ અસ્થાના સામે નોંધવામાં આવેલા ભ્રષ્ટાચારના એક કેસમાં નાયબ પોલીસ અધીક્ષક દેવેન્દ્ર કુમારનું નામ આવ્યા બાદ સીબીઆઇએ સોમવારે દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી લીધી છે. સીબીઆઇએ દેવેન્દ્ર કુમારના ઘર અને ઓફિસમાં પણ દરોડા પાડ્યા હતા. દેશની સૌથી મોટી તપાસ એજન્સીનો એવો આરોપ છે કે ડિસેમ્બર ૨૦૧૭ અને ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન ઓછામાં ઓછી પાંચ વાર લાંચ લેવામાં આવી છે. સીબીઆઇએ એવો દાવો કર્યો છે કે તેની પાસે હૈદરાબાદ સ્થિત વેપારી સાના સતીશ બાબુનું નિવેદન છે. સતીશનું નિવેદન ચોથી ઓક્ટોબરે અને ત્યાર પછી ૨૦મી ઓક્ટોબરે સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ બે વાર રેકોર્ડ કરવામાં આવ્યો છે.