અમદાવાદ

વડોદરા

છાપી

ગોધરા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૯
દેશભરમાં એનઆરસી અને સીએએના વિરોધમાં સળગેલી વિરોધની આગ ગુજરાતમાં પણ ફેલાઈ રહી છે અને છેલ્લા એક સપ્તાહથી જુદા જુદા શહેરોમાં વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. દરમ્યાન અલ્પસંખ્યક નાગરિક અધિકાર મંચ દ્વારા આજે ગુરૂવારના રોજ અમદાવાદ બંધના આપેલા એલાનને રાજયના અન્ય વિસ્તારના લોકોએ પણ ટેકો આપી બંધ પાળતા સજ્જડ બંધ રહ્યું હતું. ખાસ કરીને અમદાવાદના તમામ લઘુમતી વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ વેપારીઓએ અભૂતપૂર્વ બંધ પાળી એનઆરસી અને સીએએનો જબ્બર વિરોધ નોંધાવ્યો હતો. જો કે અમદાવાદ અને બનાસકાંઠામાં રેલી બાદ લોકો રસ્તા પર ઉતરી આવતા પોલીસને લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. શાહેઆલમ વિસ્તારમાં સાંજના સુમારે કાઢવામાં આવેલી રેલી દરમ્યાન કેટલાક તોફાની તત્વોએ પોલીસ પથ્થરમારો કરતા ડઝનથી વધુ પોલીસ જવાનો અને પત્રકારો ઘાયલ થયા હતા. નાગરિક સંશોધન કાયદાના વિરોધમાં અલ્પસંખ્યક નાગરિક અધિકાર મંચેઅમદાવાદ શહેર બંધનું એલાન આપ્યું હતું. જેને વિવિધ શહેરના લોકોએ પણ ટેકો જાહેર કરતા બંધ વ્યાપક બને તેવી શકયતા વર્તાતી હતી. ગતરોજથી જ અમદાવાદ, વડોદરા, ગોધરા, શહેરા, કાલોલ, લુણાવાડા, બનાસકાંઠા સહિત શહેર જિલ્લાના લોકોએ બંધને ટેકો જાહેર કરી આજે સવારથી જ સજજડ બંધ પાળ્યો હતો. અમદાવાદમાં સવારથી જ બંધની અસર જોવા મળી હતી. શાહેઆલમ, દાણીલીમડા, બહેરામપુરા, વટવા, જુહાપુરા, જમાલપુર, રાયખડ, દરિયાપુર, કાલુપુર, શાહપુર, મીરઝાપુર, લાલદરવાજા, ત્રણ દરવાજા, પાનકોરનાકા, રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં લોકોએ અભૂતપૂર્વ બંધ પાળ્યો હતો. શાહપુર, શાહેઆલમ, દાણીલીમડા, બહેરામપુરા જેવા વિસ્તારમાં તો હિન્દુ વેપારીઓએ પણ બંધ પાળી સહકાર આપ્યો હતો. અમદાવાદમાં ઝાંસી કી રાણી ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત ૩૦ લોકોની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે લાલ દરવાજા દિનબાઈ ટાવર પાસે એનએસયુઆઈના દેખાવકારો દ્વારા એએમટીએસની બસમાં તોડફોડ કરી હતી તો લાલ દરવાજા સરદારબાગ પાસે દેખાવો કરી રહેલા ડાબેરી સંગઠનોના કાર્યકરોએ રસ્તા પર સૂઈ જઈ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીચાર્જ કરી અનેક લોકોની અટકાયત કરી હતી. જ્યારે શાહેઆલમ વિસ્તારમાં સ્થાનિક કાઉન્સિલર દ્વારા રેલી કાઢવાનો કાર્યક્રમ હતો તે દરમિયાન પોલીસે પોલીસ પરમિશન ન હોવાથી રેલીમાં રહેલા લોકોની અટકાયત શરૂ કરતાં રેલીમાં સામેલ કેટલાક તોફાની શખ્સોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરતાં ડઝનબંધ પોલીસ અને પત્રકારો ઘવાયા હતા. આમ એનઆરસી અને સીએબીના વિરોધમાં અપાયેલા બંધના એલાનને અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના મુસ્લિમોએ તેમના વેપાર-ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખી સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, બંધનું એલાન માત્ર અમદાવાદ શહેર પૂરતું જ આપવામાં આવ્યું હતું પરંતુ હિંમતનગર, વડોદરા, કાલોલ, ગોધરા, શહેરા, લુણાવાડા, છાણી, પાટણ, વડગામ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અનેક શહેર અને જિલ્લાના લોકોએ બંધને સમર્થન આપી સજ્જડ બંધ પાળ્યો હતો.