અમદાવાદ, તા.૯
ગુજરાત હાઈકોર્ટ ઝકિયા જાફરીની અરજીનો ચુકાદો ગુરૂવારે આપે એવી શકયતા છે. ઝકિયા જાફરી કોંગ્રેસ નેતા અહેસાન જાફરીની વિધવા પત્ની છે. ઝકિયા જાફરીએ નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજી હાઈકોર્ટ સમક્ષ દાખલ કરી છે. નીચલી કોર્ટે પોતાના આદેશમાં ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બીજાઓને ગુજરાત રમખાણોમાં સંડોવણી માટે ક્લિનચીટ આપી હતી. અરજીની સુનાવણી જજ સોનિયા ગોકાણી સમક્ષ ૩જી જુલાઈએ પૂર્ણ થઈ હતી. જાફરી અને તિસ્તા સેતલવાડ દ્વારા ચલાવાતી એનજીઓ સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસે ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમિનલ રિવ્યુ અરજી મેજિસ્ટ્રેટના આદેશ વિરૂદ્ધ દાખલ કરી છે. મેજિસ્ટ્રેટની કોર્ટે સીટ દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટને માન્ય રાખ્યો હતો. અરજીમાં માગણી કરાઈ હતી કે મોદી અને અન્ય પ૯ આરોપીઓને મોટા ફોજદારી ષડયંત્ર ઘડવા માટે પક્ષકાર તરીકે જોડવું જોઈએ. આ ષડયંત્ર એમના દ્વારા ર૦૦રમાં થયેલ ગોધરા કાંડ પછી રચાયું હતું. પૂર્વ સાંસદ અહેસાન જાફરી પીડિતોમાંના એક હતા એ અને બીજા ૬૭ વ્યક્તિઓની હત્યા કરાઈ હતી. ર૮મી ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે આવેલ ગુબલર્ગ સોસાયટીમાં આગ ચાંપવામાં આવી હતી જેથી એ બધાનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં મોટુ ષડયંત્ર હોવાના આક્ષેપો અરજીમાં મૂકાયા હતા જેની તપાસ સીટ દ્વારા કરવામાં આવી હતી. સીટે પોતાની તપાસનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. સીટે જણાવ્યું હતું કે એમણે કરેલ તપાસની નિગરાની સુપ્રીમકોર્ટે કરી હતી જેથી આ રિપોર્ટ બધાએ માન્ય રાખ્યો હતો. નીચલી કોર્ટે બધા પાસાઓને ધ્યાનમાં લીધા પછી જાહેર કર્યા કે વધુ તપાસની જરૂર નથી. ઝકિયા જાફરીના વકીલ મિહિર દેસાઈએ રજૂઆત કરી હતી કે મેજિસ્ટ્રેટની કોર્ટે રિપોર્ટ રદ કરવાના વિકલ્પ તરફ ધ્યાન પણ આપ્યું ન હતું અને નવેસરથી તપાસના આદેશ પણ આપ્યા ન હતા. નીચલી કોર્ટે સુપ્રીમકોર્ટની દિશા-નિર્દેશોને પણ ધ્યાને લીધા નથી. સાક્ષીઓની સહીઓ કરાયેલ નિવેદનો પણ ધ્યાને લીધા નથી જેમાં એમણે જણાવેલ છે કે રમખાણો પાછળ મોટું ષડયંત્ર ઘડાયું હતું. મેજિસ્ટ્રેટે મુખ્ય સાક્ષીઓ જેમ કે આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ, આર.બી.શ્રીકુમાર અને રાહુલ શર્માના નિવેદનોની પણ અવગણના કરી હતી. એ સાથે તહલકા મેગેઝિનની તપાસને પણ ધ્યાનમાં લીધી નથી. સીટે પોતાની ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં મોદીને ક્લિનચીટ આપી હતી. સીટે ૮મી ફેબ્રુઆરી ર૦૧રના રોજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો.