(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૭
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગર ખાતે તેમણે ગ્રામીણ મહિલાઓ સાથે પેટ છુટી વાત કરી હતી. ઓબારી ગામમાં મહિલાઓ સાથે સંવાદ કરતાં રાહુલ ગાંધીએ મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી મહિલા હોવા જોઈએ અને હું ઈચ્છું છું કે એક મહિલા ગુજરાતના મુખ્યમંત્રી બને. મહિલાઓ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીને રસ પડવા લાગતા તેમણે બાળકના જન્મ બાદ શું કાળજી રાખવી જોઈએ તે અંગે ચર્ચા કરી હતી. તેમણે મહિલાઓને કહ્યું હતું કે શું બાળકને ગાયનું દૂધ આપવું જોઈએ ? બાળક ખોરાક લેવાની શરૂઆત કરે તે પહેલા તેને સ્તનપાનની લત છોડાવવી જોઈએ. ઉત્તરપ્રદેશમાં તો એ બાબત સામાન્ય છે કે સ્તનપાન કરાવતા દરમિયાન બાળકને કોઈપણ ખોરાક અપાતો નથી. તેમણે વધુમાં જણાવ્યું છે કે કોંગ્રેસે હંમેશા મહિલા સશક્તિકરણને સમર્થન આપ્યું છે અને મહિલાઓ મુખ્યમંત્રી હોવી જોઈએ. વધુમાં વધુ મહિલાઓ ઉચ્ચ સ્થાને પહોંચે અને મોટાભાગના રાજ્યોમાં મુખ્યમંત્રી મહિલા હોવા જોઈએ. હું ઈચ્છું છું કે ગુજરાતના મુખ્યમંત્રી પણ મહિલા હોય. ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને પૂછ્યું હતું કે શું સાંસદમાં મહિલાઓ માટે પ૦ ટકા બેઠકો અનામત હોવી જોઈએ ? તેના જવાબમાં તમામ મહિલાઓએ હકારમાં જવાબ આપ્યો હતો.