(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.પ
વડાપ્રધાન ગુજરાતને બે રિમોટ કંટ્રોલથી ચલાવવા માગે છે. એક પોતે અને બીજું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મારફતે ગુજરાતના મુખ્યમંત્રીનું અસ્તિત્વ જેવું નથી. એટલે પ્રજાએ અલગ પ્રકારની સરકાર માટે મન બનાવી લીધું છે. લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. તેમ આજે વડોદરાની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા મનિષ તિવારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. આ વખતની ચૂંટણીનું વાતાવરણ બદલાઈ ગયું છે. મેં ગુજરાતની ર૦૦ર, ર૦૦૭, ર૦૧ર અને લોકસભાની ર૦૧૪ની ચૂંટણીઓનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે. એટલે ખબર છે. આ વખતની ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું છે. પરિવર્તન આવશે. લોકો સારી સવાર જોવા ઉત્સુક છે. વડાપ્રધાન પોતે અસમંજસમાં છે. એટલે વધુને વધુ સભાઓ યોજી રહ્યા છે. પહેલાની ચૂંટણીઓમાં આવું નહતું. વડાપ્રધાનની ગૌરવપ્રદ ખુરશીથી અનુલક્ષી તેઓ જે વાણીનો ઉપયોગ કરી રહ્યા છે તે શોભા સ્પદનથી વડાપ્રધાનના હોદ્દાને અનુરૂપ ભાષા નથી.
ગુજરાત સરકારે પ્રજાને આપેલા વચનોનું પાલન કર્યું નથી. જેથી રાજ્ય ખરાબ પરિણામ ભોગવી રહ્યું છે. ગુજરાત સરકાર દિલ્હીના રિમોર્ટ કંટ્રોલથી ચાલી રહી છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં યુવકો અને વિદ્યાર્થીઓને આપેલા વચનો પૂરા કરશે. મોંઘવારીમાં અને પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટાડો કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં અનામત આપવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નિર્ણય લઈ લીધો છે. બંધારણની મર્યાદામાં રહી અનામત આપવામાં આવશે. અને અદાલતમાં પડકારવી હોય તો ભલે પડકારવામાં આવે અમે અનામતનો અમલ કરીશું.
ઈવીએમ મશીનના ગરબડ ગોટાળા અંગે તેમણે કહ્યું કે, અમે બેલેટ પેપર મતદાન કરાવવા માટે માંગણી નથી કરતાં આમ કરી અમે પરોઢના પગલાં ભરવા માંગતા નથી. પરંતુ ઈવીએમ મશીન માટે લોકોના મનમાં જે શંકા જાગી છે તે દૂર થવી જોઈએ. જો કે આ લાંબી ચર્ચાનો વિષય છે.