(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
૧પ૦+ બેઠકો પ્રાપ્ત કરવાના લક્ષ્યાંકને પાર કરવાની વાત તો દૂર માંડ માંડ બહુમતિ મેળવી ગુજરાતમાં ફરી એકવાર સરકાર બનાવવામાં સફળ રહેલ ભાજપની નવી સરકારને પ્રથમ ગ્રાસે મક્ષિકા નડી હોય તેમ મંત્રી મંડળની પસંદગીથી માંડીને ખાતાઓની વહેંચણી સુધીની પ્રક્રિયામાં અસંતોષ અને નારાજગીએ ઉકળતા ચરૂં જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. સરકારમાં નંબર-ટુ ગણાતા ડે.સી.એમ. નીતિન પટેલની પાસેથી અગાઉના મહત્ત્વના ખાતાં પરત લઈ લેવાના મુદ્દે અત્યંત નારાજ થયેલા નીતિન પટેલે ભાજપ હાઈકમાન્ડ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી દઈ બે દિવસનું અલ્ટીમેટમ પણ આપી દીધાની વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. અનુભવી અને પાર્ટી લાઈનના સિનિયર નેતા નીતિન પટેલને થયેલ અન્યાયને લઈને રાજ્યભરમાં ચર્ચા સાથે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. નીતિન પટેલના સમર્થનમાં પાટીદાર સમાજની સાથે વિવિધ આગેવાનો-સંસ્થાઓ મોટી સંખ્યામાં મેદાનમાં આવી જવા સાથે, તેમને મંત્રી પદેથી રાજીનામું આપી દેવા તથા ભાજપ છોડવા સહિતના દબાણો કરી સંપૂર્ણ ટેકો જાહેર કરી રહેલ છે. ભાજપ સરકારમાં ઊભી થયેલી આ પ્રવાહી સ્થિતિ આગળ જતાં કંઈક નવાજૂની થવાના એંધાણ આપી રહી છે તો રાજ્યભરમાં રાજકીય માહોલ ગરમાયો છે.
ગુજરાતમાં ભાજપની નવી સરકાર બનવાના પ્રારંભથી જ ચર્ચાસ્પદ બની રહી છે. સૌપ્રથમ મંત્રીઓની પસંદગી વખતે અને તે પછી મંત્રીઓને ખાતાઓની ફાળવણી સમયે ઊભી થયેલ નારાજગી અને અસંતોષે ભાજપના મોવડીમંડળ સામે હમણાંથી જ પડકારો ઊભા કરી દીધા છે. મંત્રી મંડળમાં પડતા મૂકાયેલા કેબિનેટ સહિતના અન્ય મંત્રીઓ તથા પ્રતિનિધિત્વ ન મળવાના મુદ્દે વડોદરા-સુરતમાં નારાજગીની બહાર આવેલી વિગતો બાદ છેલ્લે મંત્રીઓને ખાતાઓની ફાળવણી વખતે ઊભો થયેલ અસંતોષ અને નારાજગીએ ભાજપની સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. જેમાં ડે.સી.એમ. નીતિન પટેલની નારાજગી અને તેના કારણે બે દિવસથી સચિવાલયના પોતાના કાર્યાલયમાં પણ તેઓ ન જતાં સમગ્ર મામલો રાજ્યભરમાં ‘ટોક ઓફ ધ સ્ટેટ’ બની રહેલ છે. ગતરોજ દિવસ દરમિયાન નીતિન પટેલ કાર્યાલયે ન જતાં અને દિવસ દરમિયાન પોતાના નિવાસસ્થાને જ રહેતાં તેઓની નારાજગીની નક્કર હકીકતો બહાર આવી હતી. નીતિન પટેલ ગુરૂવારે રાત્રે ખાતાની વહેંચણી થયા બાદથી જ પોતાના ઘરે ગયા બાદ બહાર નીકળ્યા ન હતા. એટલું જ નહીં ગુરૂવારની રાત્રીએ સવારે ૪.૩૦ વાગ્યા સુધી ઉજાગરો કર્યો હતો. ત્યારબાદ નીતિન પટેલે આ મુદ્દે ભાજપના હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હૈયાવરાળ ઠાલવી હતી. આ સાથે તેમણે ર-૩ દિવસનો સમય આપી નિર્ણય લેવા પણ જણાવી દીધું છે. દરમિયાન પાર્ટી હાઈકમાન્ડે નીતિન પટેલને મનાવવા માટે ર-૩ દિવસનો સમય માંગ્યો છે. નીતિન પટેલ ત્યાં સુધી રાહ જોશે. જો માગણી મુજબ હાઈકમાન્ડ નિર્ણય નહીં લે તો કદાચ નીતિન પટેલ મંત્રીમંડળમાંથી પણ રાજીનામું આપે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ સાથે જ નીતિન પટેલની સાથે તેમના સમર્થનમાં કેટલાક ધારાસભ્યો પણ રાજીનામું ધરી દેવા તૈયાર હોવાની ચર્ચા ચાલી રહી છે.
દરમિયાન નીતિન પટેલની નારાજગીને લઈ પાટીદાર સમાજના આગેવાનો નેતાઓ તેમને મળવા પહોંચી ગયા હતા અને તેમને ટેકો જાહેર કરી અન્યાય બદલ મંત્રીપદેથી રાજીનામું આપી દેવા સમજાવવામાં આવ્યા હતા. એટલે સુધી કે કેટલાક સમર્થકો તો પક્ષમાંથી જ રાજીનામું આપી દેવા સમજાવી રહ્યા છે. આ સાથે નીતિન પટેલ પક્ષ તો નહીં છોડવાની વાત કરી હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ નીતિન પટેલને મનાવવા માટે પક્ષ તરફથી ગત રાત્રીએ પ્રયાસો કર્યા બાદ આજે ભાજપના સુરેન્દ્ર પટેલ (કાકા) પહોંચી ગયા હતા. આ સાથે સંઘના આગેવાનોએ પણ મળીને મનાવવા પ્રયાસો કર્યા હતા. જો કે આ સમગ્ર મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી સહિતના ભાજપના અગ્રણીઓ હરફસુદ્ધા ઉચ્ચારવા તૈયાર નથી અને મૌન સેવ્યું છે.