(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૩
કેન્દ્ર સરકાર સંચાલિત ખેડૂતો માટે કામ કરતી સંસ્થા નાફેડ અને ગુજરાત સરકાર સામસામે આવી ગયા હોય તેમ એક-બીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરાઈ રહ્યા છે. જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનું બજાર ગરમ છે. નાફેડના અધ્યક્ષ કે જેઓ ગુજરાતના છે. તેઓ દ્વારા મીડિયા સમક્ષ પત્ર જારી કરી ગુજરાત સરકારની કામગીરી સામે આક્ષેપો કરતા આજે રાજ્યના કૃષિમંંત્રીએ તેના વળતા જવાબમાં આકરા પ્રહારો કર્યા હતા. જેમાં મગફળીની ખરીદીથી લઈને મગફળી સળગાવી દેવા સહિતના મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યા હતા. નાફેડના અધ્યક્ષ વાઘજી બોડા દ્વારા મીડિયા સમક્ષ પત્ર જાહેર કરી આક્ષેપો કરાતા તેના વળતા જવાબમાં આજે કૃષિમંત્રી આર.સી. ફળદુએ પત્રનો ખુલાસો કરવા સાથે વળતા આક્ષેપોના પ્રહારો કર્યા હતા. જેમાં ગુજરાત સરકારના પ્રયાસોથી નાફેડ દ્વારા ખેડૂતોના હિતમાં ટકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી શરૂ કરાઈ હતી અને નાફેડ પૂરતા પ્રમાણમાં સેન્ટરો નહીં ખોલતા ખેડૂતોમાં ઉહાપોહ પણ થયો હતો. નાફેડની પોતાની જવાબદારી હોય છતાં ગુજરાત સરકારે મદદ કરી જો તેમ ના કરત તો અડધી ખરીદી પણ થઈ ના હોત. નાફેડના ચેરમેન ગુજરાત હોવા છતાં ખેડૂતોના હિતમાં મગફળી ખરીદીમાં કોઈ માર્ગદર્શન કે મદદ કરી નથી. કોઈ સલાહસૂચન પણ આપ્યા નથી. કોઈ ગોડાઉનની મુલાકાત કોઈ ગોડાઉનની મુલાકાત પણ લીધી નથી અને ઘણી બધી જવાબદારી હોવા છતાં તેનાથી છટકી આ પ્રકારના તમે નિવેદનો કરો છો આ ખેડૂતો પ્રત્યે દ્રોહ છે. તેનો જવાબ આપવો જોઈએ તેમ વધુમાં કૃષિમંત્રીએ ચેરમેન સામે આક્ષેપો કર્યા હતા.