અમદાવાદ,તા.ર૦
ગુજરાતમાં લઘુમતીઓના વિકાસ અને રક્ષણ માટે આઠ મુદ્દાઓની માંગ સાથે માઈનોરિટી કો ઓર્ડિનેશન કમિટી દ્વારા લઘુમતી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના પ્રથમ તબક્કામાં ગુજરાતના દરેક જિલ્લામાંથી એક લાખ પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે બીજા તબકકામાં રાજયના દરેક જિલ્લા કેન્દ્રો પર એક દિવસ એક સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી લઘુમતીઓ માટે આઠ મુદ્દાની માંગણી કરાશે.
આ અંગે માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટી ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું હતું કે ગુજરાતના લઘુમતીઓ અન્ય સમાજ કરતા વધુ વંચિત છે. ત્યારે તેમની વિવિધ માંગણીઓ મુદ્દે ડિસેમ્બર-ર૦૧૬માં અમારી કમિટી બનાવવામાં આવી છે. જેમાં રાજયના લઘુમતીઓના વિકાસ અને રક્ષણ માટે આડ મુદ્દાઓની માંગો સાથે લઘુમતી અધિકાર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શરૂઆતમાં મુખ્યમંત્રીને એક લાખ પોસ્ટકાર્ડ લખ્યા હતા. માત્ર પોસ્ટકાર્ડ લખવાથી જ રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીનો નવો ૧પ સૂત્રીય કાર્યક્રમની માઈનોરિટી કમિટીનું ગઠન શરૂ કરવામાં આવ્યું છે. મુસ્લિમ બહુમતી ધરાવતી અમદાવાદના જુહાપુરામાં ઈડબ્લ્યુએસ આવાસ યોજના શરૂ કરવામાં આવી. તેમજ ગુજરાત સરકાર જયાં પહેલા લઘુમતી શબ્દથી ભણતી હતી તે છેલ્લા બે દિવસોથી લઘુમતી સમુદાય માટે કેન્દ્રીય મંત્રી દ્વારા કાર્યક્રમો કરીને યોજનાઓના વખાણ કરી રહ્યા છે. પરંતુ લઘુમતીઓના વિકાસ રક્ષણ કે મૂળભૂત પ્રશ્નો પર કોઈ બોલતું નથી.
ત્યારે અમારી લઘુમતીઓના આઠ મુદ્દાની માંગણીના મામલે તા.ર૧ ઓગસ્ટથી ૧૮ સપ્ટેમ્બર સુધી ‘લઘુમતી અધિકાર માંગો’ મારાના રૂપે મનાવવામાં આવશે. આ મહિનામાં રાજયભરમાં પબ્લિક મીટિંગ સેમિનાર, સહી ઝુંબેશ ચલાવવામાં આવશે. અને અંતિમ તા.૧૮ સપ્ટેમ્બર ર૦૧૭ના રોજ સવારે ૧૧-૩૦ વાગ્યે તમામ આઠ મુદ્દાની માંગો માટે દરેક જિલ્લા કેન્દ્રો પર એક સાથે આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ અભિયાનના ત્રીજા તબકકામાં સમગ્ર રાજયમાંથી એક લાખ લોકોની રજૂઆતો પર સહી કરાવીને મુખ્યમંત્રીને રાજયના પ્રતિનિધિ મંડળ દ્વારા રૂબરૂ આપવામાં આવશે. એમ મુજાહિદ નફીસએ જણાવ્યું હતું.

અત્યાચારથી અસરગ્રસ્ત વિસ્તારોની
મુલાકાત લઈ મદદ કરીશું : મુજાહિદ નફીસ

મુજાહિદ નફીસે જણાવ્યું હતું કે રાજયમાં મુસ્લિમ સમુદાયની ઉપેક્ષા અને તેમની પરના અત્યાચારની નાની-મોટી ઘટનાઓ રોજેરોજ નોંધાઇ રહી છે. જેમાં લઘુમતી સમુદાયના લોકો ભોગ બની રહ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં આવા પ્રભાવિત વિસ્તારોમાં કમિટીના પ્રતિનિધિમંડળ દ્વારા મુલાકાત લઇ ફેકટ ફાઇન્ડીંગ, તેઓને સહાય, કાયદાકીય મદદ, સરકારી તંત્ર સુધી અસરકારક રજૂઆત સહિતના પગલાં ભરવામાં આવશે.

કમિટીની મુખ્ય માંગ

રાજયમાં લઘુમતીઓના વિકાસ, રક્ષણ અને મૂળભૂત પ્રશ્નોની માંગણીઓ સાથે આવતીકાલથી લઘુમતિ અધિકાર આંદોલન માસ ઉજવાશે. કમિટિની માંગ નીચે મુજબ છે.
(૧) રાજયમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરો
(૨) બજેટમાં લઘુમતીઓના વિકાસ માટે અલગ ફાળવણી કરો
(૩) લઘુમતીઓના વિસ્તારોમાં સરકારી હાયર સેકન્ડરી શાળાઓ સ્થાપો
(૪) રાજય લઘુમતી આયોગની રચના કરો અને કાયદો વિધાનસભામાં પસાર કરો
(૫) મદરેસા ડિગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપો
(૬) લઘુમતીઓના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપો
(૭) સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકો માટે પુનઃસ્થાપન નીતિ બનાવો
(૮) પ્રધાનમંત્રીના નવા ૧૫ સૂત્રીય કાર્યક્રમોનો સંપૂર્ણ અમલ કરાવો