(એસ.આઈ.બુખારી) જૂનાગઢ, તા.રર
જૂનાગઢના મેડિકલ જગતમાં એક અભૂતપૂર્વ ઘટના આકાર પામવા જઈ રહી છે. જેમાં આગામી તા.૧૪, ૧પ, ૧૬ ડિસેમ્બરના રોજ જૂનાગઢ શહેરની પ્રખ્યાત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે ગુજરાત સર્જન કોન્ફરન્સ-ર૦૧૮નું આયોજન થઈ જવા રહ્યું છે. જે ગુજરાત સ્ટેટ ચેપ્ટર ઓફ એસોસિએશન ઓફ સર્જન ઓફ ઈન્ડિયાની ર૦મી વાર્ષિક કોન્ફરન્સ છે. આ અત્યંત પ્રતિષ્ઠિત કોન્ફરન્સનું આયોજન જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગ અને એસોસિએસન ઓફ સર્જનનાં ગુજરાત ચેપ્ટરના વડા ડૉ. ડી.પી. ચીખલિયા અને તેમની ટીમ દ્વારાષ્ઠથઈ રહ્યું છે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના અંગે ડૉ. ડી.પી. ચીખલિયા, મેડિકલ કોલેજના ડીન ડૉ. એસ.પી. રાઠોડ, સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મકવાણા વગેરેએ માહિતી આપી હતી.
આ કોન્ફરન્સ અંગે ડૉ. ચીખલિયાએ કહ્યું હતું કે, એસોસિએશન ઓફ સર્જન ઓફ ઈન્ડિયામાં રપ,૦૦૦ સર્જન મેમ્બર છે તેમાં ગુજરાત સ્ટેટ ચેપ્ટરમાં સર્જન ડોક્ટરની સંખ્યા ર૭૦૦ છે. જેમાંથી રર૦૦ ડોક્ટર આ એસોસિએસનના સભ્યો છે. જૂનાગઢના ઈતિહાસમાં ગુજરાત અને દેશના નિષ્ણાંત સર્જનોની આ પ્રકારની આ સૌ પ્રથમ કોન્ફરન્સ યોજાઈ રહી છે. ડૉ. ચીખલિયાએ કહ્યું કે, આ કોન્ફરન્સમાં રાજ્ય અને દેશના અત્યંત પ્રખ્યાત સર્જનો અને ફેકલ્ટીઓ ઉપસ્થિત રહી પોતાના જ્ઞાનનો લાભ આપશે તેમાં સૌથી ટોચના સર્જનમાં ડૉ. મુઝફ્ફર લાકડાવાલાનો સમાવેશ થાય છે. તેઓ દેશના નહીં પણ વિશ્વના ધ બેસ્ટ બેરિયાટ્રીક સર્જન છે. ડૉ. મુઝફ્ફર લાકડાવાલા જૂનાગઢમાં બેરિયાટ્રીક સર્જરી કરશે તેમજ ડોક્ટરો સમક્ષ આ સર્જરીનું સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ટોચના ડોક્ટરો ઉપસ્થિત રહેવાના છે તેમાં ડૉ. દીપરાજ ભંડાકર-મુંબઈ, ડૉ. જી. સુદેશ-મૈસુર, ડૉ. રમન્ના (અપોલો મુંબઈ), ડૉ. નેહલ શાહ (યુ.કે.), ડૉ. પરવેજ શેખ (મુંબઈ), ડૉ. દિલીપ ગોડે સહિત ૩૦ ફેેકલ્ટીઓ ઉપસ્થિત રહેશે. આ તમામ નિષ્ણાંત ડોક્ટર તેમની સેવાઓ પણ આપશે. જે તે ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરો દર્દીઓને તેમની સેવાનો લાભ તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે. જો દર્દીઓની સંખ્યા વધી જશે તો કોન્ફરન્સ બાદ ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સારવાર કરી આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં ડૉ. નેહલ શાહ સ્વાદુપિંડ, ડૉ. પરવેશ શેખ (હરસ-ભગંદર), ડૉ. શકુંતલા (બ્રેસ્ટ સર્જરી), ડૉ. અભય દલવી (સારણ ગાંઠ અને પિતાશયની કોથળી), ડૉ. પંકજ મોદી અને ડૉ. રમેશ પુંજાણી (સારણ ગાંઠ) ઓપરેશનો કરશે. ડૉ. મુઝફ્ફર લાકડાવાલા દ્વારા જે પેશન્ટની બેરિયાટ્રીક સર્જરી કરવાની છે તેનું વજન ૧પ૬ કિ.ગ્રા. છે.
જ્યારે મેડિકલ કોલેજના ડીન ડૉ. એસ.પી. રાઠોડે કહ્યું કે, જૂનાગઢના આંગણે પ૦૦ સર્જન ડોક્ટર આવવાના છે જે એક અભૂતપૂર્વ ઘટના છે. સિવિલ સર્જન ડૉ. મકવાણાએ કહ્યું કે, આ પ્રકારની કોન્ફરન્સ ખૂબ જ અધરી બાબત છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તેના પ્રારંભિક કાળમાં છે અને આવી કોન્ફરન્સ થકી સિવિલ હોસ્પિટલના કાર્યક્ષેત્રમાં ખૂબ જ સુધારો અને પ્રગતિ થશે અને હજુ ઘણા કામો કરવાના બાકી છે તેમ ડૉ. મકવાણાએ જણાવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢના લગભગ મોટાભાગના સર્જન ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉ. પંડ્યા, ડૉ. બારમેડા, ડૉ. જાદવ, ડૉ. પારવાણી વગેરેનો સમાવેશ થાય છે.