(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત બાદ છેલ્લા સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે અને હવામાન ખાતાએ તો છેલ્લા પંદરેક દિવસ વરસાદની કોઈ શક્યતા નથી તેવું સિસ્ટમને આધારે જણાવ્યું હતું. પરંતુ કુદરત આગળ માનવી પાંગળો છે. આગાહીને ઊંધી પાડતા હોય કુદરતે પુનઃ વરસાદના સંકેત આપ્યા છે. ઉત્તર-પૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી ચાર દિવસ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અગાઉ હવામાન વિભાગે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી આથી પંદર દિવસ વરસાદના કોઈ એંધાણ નથી. પરંતુ ગુજરાતના ખેડૂતો પર રહેમ કરતા હોય કુદરતે પુનઃ વરસાદના સંકેત આપ્યા છે. વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રપથી ર૮ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ૨૫ ઓગસ્ટના રોજ દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારીમાં, ૨૬ ઓગસ્ટના રોજ અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, નર્મદા, વડોદરા અને ભરૂચમાં, ૨૭ ઓગસ્ટના રોજ મહીસાગર, પાટણ, વડોદરા, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા અને સુરતમાં, ૨૮મી ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી ઉત્તર-પૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્યમાં સીઝનનો ૯૦% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેના કારણે ગુજરાતમાં મોટા ભાગના ડેમોમાં પાણીની આવક થઈ છે અને જેથી ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા અને કેટલાક ગામડાના લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર થઇ છે. ગત વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે કેટલાક ખેડૂતોના પાક પણ નિષ્ફળ ગયા હતા અને કેટલાક ગામડાઓમાં પીવાના પાણીની પણ વિકટ સમસ્યા ઉત્પન થઈ હતી. ત્યારે આ સીઝનમાં વરસાદના વિરામ પછી ફરી એક વાર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં મેઘ મહેર થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.