અમદાવાદ, તા.૬
રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતામાં મૂકાઈ ગયા છે ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હોવાથી દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા મોંઘા બિયારણ, ખાતર તેમજ દવાઓના રૂપિયા ડૂબી જાય તેવી આશંકા સેવાઈ રહી છે. દરમ્યાન ખેડૂતો માટે થોડું આશાનું કિરણ જાગ્યું હોય તેમ ૮ ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદ આવવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. છેલ્લા દસ દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લેતા ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આગામી ૪૮ કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે જેથી ૪૮ કલાકમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.