(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૭
આગામી ૯ ડિસેમ્બર સોમવારથી વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર મળી રહ્યું છે ત્યારે વિરોધપક્ષ કોંગ્રેસે સરકારને બરાબર ભીંસમાં લેવા તૈયારી કરી રાખી છે. હાલ રાજ્યભરમાં બાળકીઓ, કિશોરીઓ, યુવતીઓ પર વધતા જતા બળાત્કારના બનાવો, ખેડૂતોના પ્રશ્નો, બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સહિતના મુદ્દે વિપક્ષે હથિયારો સજ્જ કર્યા છે અને વિધાનસભાના સત્રના પ્રથમ જ દિવસે વિદ્યાર્થીઓને સાથે રાખી વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. વિધાનસભાની બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો અત્યારે સૌથી વધુ સળગે છે. વિપક્ષે ગૃહની અંદર અને બહાર આ મુદો જોરશોરથી ઉઠાવવાનું નકકી કર્યુ છે. પ્રથમ દિવસે બપોરે ઉમેદવાર યુવાનોની કૂચ વિધાનસભા ભવન ખાતે લઇ જઇને ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યુ છે. ઉપરાંત, વધતા જતા બળાત્કારના બનાવો, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોનો પાક વીમો, ટ્રાફિકના નવા નિયમો અને અકસ્માત વગેરે મુદા ઉઠાવવાનું નક્કી થયું છે.કોંગ્રેસના ધારાભ્યોની બેઠક આવતીકાલે રવિવારે સાંજે ૬ વાગ્યે ગાંધીનગર સરકીટ હાઉસમાં મળનાર છે. ભાજપના સભ્યોની બેઠક પણ મળનાર છે. આમ આગામી ત્રણ દિવસિય સત્ર તોફાની બનવાના એંધાણ છે.

કોંગ્રેસ દ્વારા રાજકીય રોટલો શેકવા યુવાનોને ગુમરાહ કરવાનો પ્રયાસ

ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે કોંગ્રેસ દ્વારા જે કૂચ કરીને ઘેરાવ માટે આહ્‌વાન કરાયું છે, તે સંદર્ભે પણ તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે પણ પૂરતી તકેદારી રાખીને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એમ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કેટલાક નાના-મોટા પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ દ્વારા રાજકીય હિતો સાધવા અને રાજકીય રોકલા શેકવા માટે યુવાનોને જે ગુમરાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેને રાજ્ય સરકાર સહેજે ય ચલાવી લેવાશે નહીં. યુવાનોને પડખે રાજ્ય સરકાર હરહંમેશ છે જ અને રહેશે. યુવાનો સાથે ચર્ચા વિચારણા કરવા તથા તેમના હિતો માટે રાજ્ય સરકારનું મન હંમેશા ખુલ્લું છે.