(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧ર
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા આજરોજ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની હતી પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે ચૂંટણીપંચ દ્વારા માત્ર હિમાલપ્રદેશની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતની ચૂંટણીની જાહેરાત એક સપ્તાહ બાદ કરવાનું નક્કી કર્યું છે. આ અંગે રાજકીય પંડિતોનું જણાવવું છે કે, આગામી તા.૧૬ અને ૧૭ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે તેઓ ગુજરાત માટે મોટી જાહેરાત કરી જતા રહે ત્યારબાદ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાતમાં તા.૩ અને તા.૧૦ ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની શક્યતાઓ વહેતી થઈ હતી. પરંતુ બે દિ’ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદમાં ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી પરંતુ તારીખ જાહેર કરી નહતી. ત્યારે એક પત્રકારે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ ચૂંટણીની તારીખો જાહેર કરાશે ? તેવો પ્રશ્ન કરતાં મુખ્ય ચૂંટણી કમિશનરે નકારમાં જવાબ આપ્યો હતો. દરમ્યાન આજરોજ હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો થવાની હતી. તેને બદલે ચૂંટણીપંચે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ અને ૧૮ ડિસેમ્બરે મતગણતરીની તારીખ જાહેર કરી દેતા ગુજરાતમાં ૧૭ ડિસેમ્બર પહેલાં ચૂંટણી યોજાઈ શકે છે. કારણ કે બન્ને રાજ્યોની ચૂંટણીના પરિણામો એક જ દિવસે જાહેર કરાશે. એટલે ગુજરાતમાં મોટાભાગે એક તબક્કામાં ચૂંટણી થાય તો ૧૪ ડિસેમ્બરને ગુરૂવારે ચૂંટણી યોજાવાની શક્યતા છે અને જો બે તબક્કામાં કરવાનું નક્કી કરે તો ૧૪ અને ૧૬ ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એક સપ્તાહ બાદ થઈ શકે

Recent Comments