નવી દિલ્હી, તા. ૨૫
રાષ્ટ્રીય ચૂંટણી પંચે બુધવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ૧૮૨ બેઠકોવાળી વિધાનસભા માટેની ચૂંટણી બે તબક્કામાં યોજાશે જ્યારે એવું મનાઇ રહ્યું છે કે, ચૂંટણીઓ વડાપ્રધાન મોદી માટે એસિડ ટેસ્ટ સમાન બની રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર એકે જોતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૯ અને ૧૪મી ડિસેમ્બરે યોજાશે જેમાં પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકોને આવરી લેવામાં આવશે અને બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણીના પરિણામો ૧૮મી ડિસેમ્બરે હિમાચલની સાથે જ જાહેર કરવામાં આવશે. ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત હિમાચલની ચૂંટણીઓની જાહેરાતના ૧૩ દિવસ બાદ કરવામાં આવી છે જે બદલ ચૂંટણી પંચને ભારે ટિકાઓનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે, આ બાબત નિયમોને બાજુમાં મુકવાને કારણે ભાજપને ચૂંટણીમાં ફાયદો થઇ શકે છે અને ગુજરાતમાં વધુ મતો મેળવવાની તક આપી છે જોકે, ચૂંટણી પંચે આ આરોપોને ફગાવ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ અંગે ૧૦ મહત્વપૂર્ણ મુદ્દા
૧. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટેની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. પક્ષના બે મોટા નેતાઓ પીએમ મોદી અને અમિત શાહનું ગૃહનગર પણ ગુજરાત છે જેમણે ગુજરાતમાં ભાજપને ૧૫૦ બેઠકો મળવાનો દાવો કર્યો છે. વર્ષ ૨૦૧૨માં ભાજપે અહીં ૧૧૬ બેઠકો જીતી હતી.
૨. ગુજરાત ચૂંટણીમાં બહુમતી મેળવવા માટે પક્ષને ૯૨ બેઠકો જીતવી પડશે.
૩. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં ૪.૩૩ કરોજ મતદારો મતદાન કરવા માટે યોગ્ય ગણાશે. તમામ ૫૦, ૧૨૮ પોલિંગ બૂથો પર ઇવીએમ મશીન સહિત વીવીપીએટીનો ુઉપયોગ કરવામાં આવશે.
૪. છેલ્લા બે દાયકાથી રાજ્યમાં સત્તામાં રહેલી ભાજપ સામે હાલ લોકોની સંવેદનાઓ સરકાર વિરોધી છે જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં આક્રમક રીતે પ્રચાર આરંભી દીધો છે. સત્તાધારી પક્ષ સામે નારાજ પાટીદારો, દલિતો અને અન્ય પછાત વર્ગને મનાવવા રાહુલે ખુબ મહેનત કરી છે.
૫. ચૂંટણી પંચે ૧૨મી ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની ૬૬ બેઠકો માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે, ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત બાદમાં કરાશે સાથે જ ઉમેર્યું હતું કે, ગુજરાતની ચૂંટણી ૧૮મી ડિસેમ્બર બાદ નહીં યોજાય.
૬. ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત ન કરાતા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો અને બંને રાજ્યોની ચૂંટણી સાથે જ યોજવાની માગ કરી હતી. તેણે આરોપ મુક્યો હતો કે, પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી મોટી જાહેરાતો કરવાના હોવાથી ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત કરાઇ નથી. જ્યારે તેમણે મુખ્યમંત્રી રૂપાણી પાસે મતદારો માટે લોભામણી જાહેરાતો કરાવી હતી.
૭. આજે ચૂંટણીની જાહેરાતના સંકેત મળતા જ ગુજરાત સરકારે મંગળવારે જ સમાજના વિવિધ વર્ગો માટે મોટી જાહેરાતો કરી હતી જેમાં ખેડૂતો, વિરોધ કરી રહેલા સ્વાસ્થ્ય કાર્યકરો અને પછાત જાતિઓનો સમાવેશ થાય છે.
૮. ઓક્ટોબર મહિનામાં જ રાજ્ય સરકારે ૧૮૦૦૦ કરોડની વિકાસ યોજનાઓની જાહેરાતો કરી હતી જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ૬૦૦ કરોડની ફેરી સેવા ઉપરાંત ત્રણ લાખથી વધુની રકમની ખેતી માટેની વ્યાજમુક્ત લોન જેમાં ૨૫ લાખ ખેડૂતોને ફાયદો પહોંચવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.
૯. બીજી તરફ ભાજપે જણાવ્યું કે, ચંૂંટણી પંચ પર કેન્દ્ર સરકારે મોડી ચૂંટણી જાહેર કરવા માટેના કોંગ્રેસના આરોપો ખોટા છે અને બંધારણીય સત્તા સામે સવાલ ઉઠાવવા સામે વિપક્ષની ટીકા કરી હતી.
૧૦. ચૂંટણી પંચના અધ્યક્ષ એકે જોતીએ જણાવ્યું કે, પૂર પીડિતો માટે રાહત અને પુનઃવસન કામો બાકી હોવાને કારણે રાજ્ય સરકારની વિનંતી પર ગુજરાતની જાહેરાત મોડી કરાઇ છે. અમે સમજી શકીએ છીએ કે ચૂંટણીઓ માટે ૨૬૦૦૦ કાર્યકરોની જરૂર પડે છે અને તેના કારણે પૂર રાહતમાં વિલંબ થઇ શકે છે તેમ તાજેતરમાં એકે જોતીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું.
સ્ટેટ IBનો રિપોર્ટ : ભાજપને ૮૨ કોંગ્રેસને ૯૫ બેઠકો મળવાની આગાહી
ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાના ઓપિનિયન પોલમાં ભાજપને બહુમતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તેવો દાવો ઇન્ડિયા ટુડે ગ્રુપ અને એક્સિસ માય ઇન્ડિયાએ મળીને કરેલા ઓપનિયન પોલના તારણમાં કરાયો તેના કારણે ભાજપ ગેલમાં છે ત્યાં તેનો આ આનંદ ઉડી જાય તેવા સમાચાર ગુજરાતની એક જાણીતી વેબસાઈટ દ્વારા અપાયા છે. ગુજરાતના ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના હવાલાથી અપાયેલા આ સમાચારમાં દાવો કરાયો છે કે, હાલના તબક્કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થાય તો ભાજપને માત્ર ૮૦થી ૮૨ બેઠકો મળે એવી શકયતા છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કરેલી પહેલી મુલાકાતથી શરૂ કરીને રવિવાર રાત સુધીનો આ સર્વે છે તેવો દાવો કરાયો છે. આ સર્વે મુજબ અત્યારે ભાજપ ગુજરાતમાં સત્તા ગુમાવે એવી પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે. જો કે આ રીપોર્ટ ઉમેદવાર હજી નક્કી થયા નથી એ સમયનો છે, પણ આ રિપોર્ટ પરથી એ પુરવાર થઇ રહ્યું છે કે ભાજપે ગુજરાતમાં શાખ ગુમાવી હોવાથી બહુ ઓછા વિસ્તાર હવે ભાજપના ગઢ રહ્યા છે. આ અહેવાલમાં કોંગ્રેસને આનંદ થાય તેવા દાવા પણ કરાયા છે. આઇબીના હવાલાથી આપવામાં આવેલા આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં સ્ટ્રોંગ થઇ છે અને અત્યારના તબક્કે કોંગ્રેસને ગુજરાતમાં ૯૫ બેઠક પર જીત મળે એવી શકયતા છે. આ અહેવાલ સ્વાભાવિક રીતે જ ભાજપમાં ચિંતા પેદા કરનારા છે. આઇબીએ આપેલા રિપોર્ટ મુજબ ગુજરાતમાં ભાજપ બેકફુટ પર આવી ગઇ છે. સામાન્ય રીતે સ્ટેટ આઇબીનું કામ રાજય સરકારના વખાણ કરવાનું હોય છે છતાં આઈબીએ આવો નબળો રિપોર્ટ આપ્યો એ જ દેખાડે છે કે છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં ભાજપની હાલત ખરેખર કથળી છે અને ધાર્યા કરતાં વધારે ખરાબ છે.સામાન્ય રીતે આઇબીના આ પ્રકારના રિપોર્ટના આધારે સત્તા પર રહેલી સરકાર પોતાની સ્ટ્રેટેજી બનાવતી હોય છે અને આ સ્ટ્રેટેજી માટે જ સર્વે કરાવવામાં આવતા હોય છે. વિધાનસભાના ઇલેકશન પહેલા ભાજપ કેવી રીતે ડેમેજ કન્ટ્રોલ કરે છે અને ગુજરાતમાં સત્તા અકબંધ રાખવા માટે કેવાં પગલાં ભરે છે એ હવે જોવાનું રહે છે. યોગાનુયોગ ઇન્ડિયા ટુડે ગ્રુપ અને એકિસસ માય ઇન્ડિયાએ મળીને કરેલા ઓપનિયન પોલમાં વિધાનસભાની કુલ ૧૮૨ સીટો પૈકી ૧૧૫થી ૧૨૫ બેઠકો સાથે ભાજપને બહુમતી મળશે એવા દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસને ૫૭થી ૬૫ સીટો જ્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનવાળા પક્ષને એક પણ સીટ નહીં મળે તેવો દાવો કરાયો છે.

 

ગુજરાત ચૂંટણી કાર્યક્રમની વિગત
પ્રથમ તબક્કાનો કાર્યક્રમ
પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લામાં ૮૯ સીટ પર મતદાન
પ્રથમ તબક્કામાં ૨.૧ કરોડ મતદારો મતદાન કરશે
૧૪મી નવેમ્બરે જાહેરનામુ જારી કરાશે
૨૧મી નવેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ રહેશે
૨૨મી નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે
૯મી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતતદાન થશે
બીજા તબક્કાનો કાર્યક્રમ
બીજા તબક્કામાં ૧૪ જિલ્લામાં ૯૩ સીટ પર મતદાન
બીજા તબક્કામાં ૨.૨૧ કરોડ મતદારો મતદાન કરશે
૧૪મી નવેમ્બરે જાહેરનામુ જારી કરાશે
૨૭મી નવેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ રહેશે
૨૮મી નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે
૧૪મી ડિસેમ્બરે બીજા તબક્કામાં મતતદાન